ચારુસેટ કેમ્પસમાં ‘ચારુસેટ એજયુકેશન એક્સ્પો 3.0’નો પ્રારંભ

ચાંગા: ચારૂસેટ યુનિવર્સિટી દ્વારા કેમ્પસમાં સતત ત્રીજા વર્ષે  4 થી 7 ડિસેમ્બર દરમિયાન ‘ચારુસેટ એજયુકેશન એક્સ્પો 3.0’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ચારુસેટ એજ્યુકેશન એક્સ્પો અનિલ અને આશા પટેલ એન્ડાઉમેન્ટ ફંડ દ્વારા ચારુસેટ ખાતે પ્રેસન્ટ કરવામાં આવ્યો છે અને તેને કો-પાવર્ડ જગજી કન્સ્ટ્રક્શન કંપની દ્વારા કરવામાં આવ્યો છે.‘ચારુસેટ એજયુકેશન એક્સ્પો 3.0’નું 4 ડિસેમ્બરે સંસ્થાના પ્રમુખ કિરણ પટેલ, CHRFના પ્રમુખ વિપુલભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડો. અતુલ પટેલના હસ્તે રીબીન કટિંગ અને દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.  આ પ્રસંગે રજીસ્ટ્રાર ડો. બિનીત પટેલ, વિવિધ ફેકલ્ટિના ડીન, વિવિધ કોલેજના પ્રિન્સીપાલ, ફેકલ્ટી મેમ્બર્સ, વિદ્યાર્થીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.  પ્રોવોસ્ટ ડો. અતુલ પટેલે વિધિવત રીતે એક્સ્પો ખુલ્લો મુક્યો હતો.

કેળવણી મંડળ- ચારૂસેટના પ્રમુખ સુરેન્દ્ર પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ અશોક પટેલ, કેળવણી મંડળના સહમંત્રી મધુબેન પટેલ, કેળવણી મંડળના ખજાનચી ગીરીશ સી. પટેલ, બિલ્ડીંગ કમિટીના કન્વીનર એન. એમ. પટેલ વગેરેએ એકસ્પોની મુલાકાત લીધી હતી.

વિદ્યાર્થીઓના ધોરણ 12 પછી ઉચ્ચ અભ્યાસાર્થે કારકિર્દીલક્ષી યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત થાય તે હેતુથી 4 દિવસ માટે આયોજિત એક્સ્પોમાં પ્રથમ દિવસે સારો પ્રતિસાદ પ્રાપ્ત થયો હતો અને વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. એક્સ્પોમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ 10 ઇન્સ્ટિટ્યુટ, 7 ફેકલ્ટિ, 70થી વધુ એકેડેમિક પ્રોગ્રામની તમામ માહિતી ઉપરાંત એડમિશન પ્રોસેસ,  વિવિધ કોર્સ,  સ્કોલરશીપ વગેરેની માહિતી તેમજ કારકિર્દી માર્ગદર્શન પ્રાપ્ત કરી રહ્યા છે. ઉપરાંત વિદ્યાર્થીઓ ગેમ ઝોનમાં લર્નિંગ વિથ ફનનો અનુભવ લઈ રહ્યા છે.

ચારુસેટના વિદ્યાર્થીઓ દ્વારા લગભગ 30 જેટલા પ્રોજેક્ટ્સનું પ્રદર્શન કરવામાં આવ્યું છે.  એક્સ્પોમાં કેરિયર કાઉન્સેલિંગ ફેર, સ્ટુડન્ટ પ્રોટોટાઈપ શોકેસ, ઇન્સ્ટીટયુટ વિઝિટનો લાભ લઇ શકાશે.

એજ્યુકેશન, ઇનોવેશન અને ઓપર્ચ્યુંનીટીના ફ્યુઝન સમાન એક્સ્પોમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણપ્રેમીઓ નિ:શુલ્ક ભાગ લઈ શકાશે. એક્સ્પોના ભાગરૂપે 5 ડિસેમ્બર શુક્રવારે કિશોરકાકા તરીકે પ્રખ્યાત સ્મિત પંડ્યા દ્વારા એન્ટરટેઈનમેન્ટ સેશન યોજાશે. આ ઉપરાંત 6 ડિસેમ્બરે શનિવારે પ્લેબેક સિંગર અસીસ કૌરનો લાઇવ કોન્સર્ટ યોજાશે.