સુરત: દેવોની નવરાત્રિ તરીકે ચૈત્રી નવરાત્રિનું વિશેષ મહત્વ છે. આ નવરાત્રી દરમિયાન માતાજીની આરાધના મોટી સંખ્યમાં માઈ ભક્તો કરતા હોય છે. ત્યારે વલસાડ જિલ્લાના રાબડામાં આવેલા માં વિશ્વંભરી ધામમાં દર વર્ષે ચૈત્રી નવરાત્રિ મહોત્સવનું ખાસ આયોજન કરવામાં આવે છે.આ ધામ એ જગત જનનીનું વિશ્વનું એક માત્ર મંદિર છે. માં વિશ્વંભરી ધામ ખાતે ચૈત્રી નવરાત્રીના નોરતા દરમિયાન સમગ્ર દક્ષિણ ગુજરાતની સાથે-સાથે દેશ-વિદેશથી માઇ ભક્તો માતાજીની આરાધના કરવા માટે ઊમટી પડે છે. અને માતાજીની આરાધના કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
આ ભવ્ય મંદિરમાં બિરાજતા ત્રિભુવન રચનારાં માઁ વિશ્વંભરીના સમક્ષ ચૈત્રી નવરાત્રિમાં માત્ર પ્રાચીન ગરબા થકી જ આરાધના થાય છે. જેમાં આસો નવરાત્રીની જેમ માતાજીના ભક્તો ગરબા કરી અને માતાજીની આરાધના કરાય છે.
વર્ષ ૨૦૧૬માં મહાપાત્ર (વિઠ્ઠલભાઈ)ના નેતૃત્વમાં આ ધામ ધમધમતું થયું હતું. માત્ર ૯૦ દિવસમાં જ આખું ધામ તૈયાર થયું હતું . આજે આ મંદિર માત્ર દક્ષિણ ગુજરાતમાં જ નહીં સમગ્ર વિશ્વના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે.
(અરવિંદ ગોંડલિયા – સુરત)