નવી દિલ્હીઃ દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શનને કારણે 10 ઓક્ટોબરે કેટલાક વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવા ખોરવાઈ હતી. આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને પોતાના નિર્ણયનો બચાવ કર્યો છે. સરકારે જાણીજોઈને કોર્ટના નિર્દેશોનું ઉલ્લંઘન કર્યું હોવાનો પણ ઇનકાર કર્યો છે. કેન્દ્રએ આ પગલાને પરવાનગી વિના યોજાનારા વિરોધ પ્રદર્શનને રોકવા માટે લેવાયેલું પગલું ગણાવ્યું છે અને બિનશરતી માફી માગી છે.
બુધવારે દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં કેન્દ્રએ જણાવ્યું હતું કે જાહેર વ્યવસ્થા બગડતી અટકાવવા માટે થોડા સમય માટે ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવી જરૂરી હતી. પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ યોગ્ય પગલું હતું. સરકારે સુપ્રીમ કોર્ટને એવી પણ વિનંતી કરી છે કે વિરોધ પ્રદર્શન દરમિયાન લાદવામાં આવેલા પ્રતિબંધો અંગે કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહનને જારી કરાયેલી કોર્ટના તિરસ્કારની નોટિસ પાછી ખેંચવામાં આવે.
દિલ્હીમાં નવ અને 10 ઓક્ટોબરે ઇન્ટરનેટ સેવા બંધ રહી હતી
કેન્દ્રના જણાવ્યાનુસાર દિલ્હી પોલીસે 10 ઓક્ટોબરે રાત્રે 10 વાગ્યા સુધી એક દિવસ માટે મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવાની માગ કરી હતી. સરકારે આ વિનંતી પર વિચાર કર્યા બાદ તેને મંજૂરી આપી હતી. ત્યાર બાદ દિલ્હીમાં વિરોધ પ્રદર્શનના વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા ખોરવાઈ હતી. સોગંદનામામાં જણાવવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય રાજધાનીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા જાહેર શાંતિ ભંગ થતી અટકાવવા માટે આ પગલું લેવામાં આવ્યું હતું. જોકે સોગંદનામું દાખલ કરીને બિનશરતી માફી માગવામાં આવી છે. નોંધનીય છે કે દિલ્હીના રાયસીના હિલની આસપાસ ચાર કિલોમીટરના વિસ્તારમાં ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
પરવાનગી વિના વિરોધ પ્રદર્શનનો આપ્યો હવાલો
કેન્દ્રએ સ્પષ્ટતા કરી હતી કે માત્ર મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી હતી. વાઇ-ફાઇ અને બ્રોડબેન્ડ જેવી અન્ય ઇન્ટરનેટ સેવાઓ તથા ટેલિકોમ સેવાઓ પર કોઈ પ્રતિબંધ મૂકવામાં આવ્યો નહોતો. કેન્દ્રીય ગૃહ સચિવે જણાવ્યું હતું કે એક સંગઠને જરૂરી મંજૂરી મેળવ્યા વિના વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી હતી અને પરવાનગી નકારવામાં આવી હોવા છતાં પ્રદર્શન કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રતિબંધનું પગલું લેવામાં આવ્યું હતું.




