સેલિના જેટલીએ પતિ સામે રૂ.  100 કરોડનું માગ્યું વળતર

નવી દિલ્હી: બોલિવુડ અભિનેત્રી સેલિના જેટલીએ પોતાના પતિ, ઓસ્ટ્રિયાના હોટેલ ઉદ્યોગપતિ પીટર હાગ સામે ઘરેલુ હિંસાનો કેસ નોંધાવ્યો છે. બંનેનાં લગ્નને 15 વર્ષ થઈ ચૂક્યાં છે. સેલિનાનો આરોપ છે કે પતિએ તેને ભાવનાત્મક, શારીરિક અને મૌખિક રીતે હેરાન કરી છે. તેણે જણાવ્યું હતું કે પીટરે તેને આર્થિક રીતે નબળી બનાવવાની કોશિશ કરી, કામ કરવાથી રોક્યા અને નાના પ્રોજેક્ટ માટે પણ પરવાનગી લેવી પડતી હતી. સેલિનાની ફરિયાદ મુજબ પીટર સ્વાર્થી સ્વભાવના છે અને બાળકો પ્રત્યે પણ સંવેદના નથી રાખતા.

100 કરોડ રૂપિયાનું વળતર માગ્યું

સેલિનાએ પતિ પર તેમના બેંક ખાતામાંથી પૈસા કાઢી લેવાનો, કાર્ડનો દુરુપયોગ કરવાનો અને પાસપોર્ટ જેવા મહત્વના દસ્તાવેજો પોતાના કબજામાં રાખવાનો આરોપ મૂક્યો છે. તેણે ત્રણ બાળકોની કસ્ટડી પણ માગી છે, જે હાલ પીટર સાથે ઓસ્ટ્રિયામાં રહે છે. સેલિનાનો દાવો છે કે ભારતમાં કેસ દાખલ થયા પછી તેમને બાળકો સાથે વાત કરવાની મંજૂરી આપવામાં આવતી નથી. આ કેસમાં સેલિનાએ 100 કરોડ રૂપિયાનું વળતર અને દર મહિને 10 લાખ રૂપિયાનું ભરણપોષણ માગ્યું છે.

આવકનું એફિડેવિટ રજૂ કરવાનો આદેશ

આ કેસ 25 નવેમ્બરે નોંધાયો હતો. તાજેતરમાં શુક્રવારે બંને અંધેરીની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર થયાં હતાં. કોર્ટે બંનેને 27 જાન્યુઆરી સુધી પોતાની આવકનું એફિડેવિટ જમા કરાવવાનો આદેશ આપ્યો છે. પીટરને ફરિયાદનો જવાબ પણ આપવો પડશે. આગામી સુનાવણીમાં આવક સંબંધિત દસ્તાવેજોની તપાસ થશે અને હવે સેલિનાની અંતરિમ માગ પર નિર્ણય લેવાશે.

બીજી તરફ, ઓસ્ટ્રિયાની કોર્ટમાં છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે, જ્યાં પીટરે આ વર્ષે ઓગસ્ટમાં અરજી કરી હતી. ત્યાંની કોર્ટે સેલિનાને બાળકો સાથે દરરોજ એક કલાક ફોન પર વાત કરવાની પરવાનગી આપી છે. સેલિના અને પીટરના જોડકાં પુત્રો વિન્સ્ટન અને વિરાજનો જન્મ 2012માં થયો હતો. 2017માં બીજા જોડકા પુત્રોમાંથી એકનું હૃદયની બીમારીને કારણે નિધન થયું હતું. આ મામલો સેલિના માટે ખૂબ જ કઠિન છે, કારણ કે તે એકલી આ લડાઈ લડી રહી છે.