ધોળકા સનાતન ધર્મ મંદિરના દ્વિતીય પાટોત્સવની વૈદિક હોળી સાથે ઉજવણી

ધોળકા: કેડિલા ફાર્માસ્યુટીકલ્સના સ્થાપક ઇન્દ્રવદન મોદી અને તેમના ધર્મપત્ની શીલાબેન મોદીની પુણ્યસ્મૃતિમાં ઇન્દ્રશીલ સનાતન ધર્મ મંદિર અને શાંતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગત 13 માર્ચ, 2025ના રોજ મંદિરના દ્વિતીય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.આ મંદિર પરિસરને બે વર્ષ પૂર્ણ થવાના અવસરે તેના પાટોત્સવ નિમિત્તે દિવસ દરમિયાન હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ, ભવ્ય શોભાયાત્રા, વૈદિક હોળી દહન અને રાત્રે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામા આવ્યું હતું.બીજી તરફ શોભાયાત્રા બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરથી શરૂ થઈ ત્રાંસદ રોડ પર આવેલા સનાતન ધર્મ મંદિર પહોચી હતી. જેનું માર્ગમાં અનેક જગ્યાએ સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર નરેન્દ્ર પરમાર સહિત સ્ટાફના સભ્યોએ આરતી ઉતારી આશિર્વાદ લીધા હતા. શોભાયાત્રામાં ધોળકા નગર અને આસપાસના ગામોના 30 જેટલા ભજન અને મહિલા મંડળો જોડાયા હતાં.લઘુરુદ્ર બાદ સાંજે દર્શન યોગ ધામ, લાકરોડા અને આર્ય સમાજના સહકાર અને માર્ગદર્શનમાં વેદના પવિત્ર મંત્રોના ગાન વચ્ચે વૈદિક હોળી પ્રગટાવવામાં આવી હતી. જેમાં વાતાવરણને શુદ્ધ અને પવિત્ર કરતી આયુર્વેદિક અને ઔષધીય વનસ્પતિઓ અને જડીબુટ્ટીઓ હોમવામાં આવી હતી. આ ઉપરાંત વેદિક પરંપરામાં હોળી પર્વના આયોજનના મૂળભૂત ઉદ્દેશ વિશે તથા વડ, પીપળો, ઉમરો, આંબો વગરે વૃક્ષોના લાકડાં તથા ઔષધિય વનસ્પતિઓના લાકડાના ઉપયોગથી થતા પર્યાવરણીય તથા આરોગ્ય વિષયક લાભોની સમજ આપવામાં આવી હતી.

આ પાટોત્સવને વધુ  ભક્તિપૂર્ણ બનાવવાના હેતુથી રાત્રે લોક ડાયરાનું આયોજન કરવામા આવ્યું હતું, જેમાં પ્રસિદ્ધ કલાકારો નરેન્દ્રદાન ગઢવી અને હાર્દિક રાજ્યગુરુએ સંતવાણી, લોકસાહિત્યવને ભક્તિના સૂર રેલાવ્યા હતા.આ ભક્તિપૂર્ણ પ્રસંગોમાં ધોળકા અને આસપાસની ભાવિક જનતાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.