GRITનો પ્રથમ સ્થાપના દિવસ: વિકાસના વિઝન તરફ મોટી પહેલ

અમદાવાદ : ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન (GRIT) એ આજે પોતાનો પ્રથમ સ્થાપના દિવસ ઉજવ્યો. વિક્સિત ગુજરાતના વિઝનને સાકાર કરવા માટે રાજ્યના અગ્રણી થિંક-ટેંક તરીકે GRITએ એક વર્ષની સફરમાં અનેક મહત્વપૂર્ણ પહેલ કરી છે. આ અવસરે GRIT દ્વારા વ્યાખ્યાન શ્રેણીનો પ્રારંભ કરવામાં આવ્યો, જે જ્ઞાન વિનિમય અને આધુનિક વિષયો પર ચર્ચાને સમર્પિત છે. શ્રેણીની શરૂઆત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નર ડૉ.પૂનમ ગુપ્તાના મુખ્ય ભાષણથી થઈ. તેમણે ગ્લોબલ ઇકોનોમિક આઉટલુક વિષય પર માર્ગદર્શન આપ્યું.

ડૉ.ગુપ્તા હાલમાં RBIના અનેક મહત્વપૂર્ણ વિભાગો સંભાળી રહ્યા છે. તેઓ અગાઉ NCAERના ડિરેક્ટર જનરલ, પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદ (2021-25)ના સભ્ય તેમજ 16મા વિત્ત આયોગની સલાહકાર પરિષદના સંયોજક રહી ચૂક્યા છે.

GRITના હેતુઓ અને કામગીરી

ગુજરાત સરકારે 12 સપ્ટેમ્બર 2024ના રોજ GRITની સ્થાપના રાજ્યની વિકાસ વ્યૂહરચનાઓને આગળ ધપાવવા અને ‘વિક્સિત ભારત’ના વિઝનને ‘વિક્સિત ગુજરાત’ દ્વારા સાકાર કરવા માટે કરી હતી. GRIT, રાજ્ય સ્તરે એક થિંક-ટેંક તરીકે ટકાઉ વિકાસ, નવીન ઉકેલો અને સંતુલિત આર્થિક વિકાસ માટે નીતિ આધારિત ભલામણો કરે છે.

પ્રથમ વર્ષે GRITએ નીચે મુજબના મહત્વપૂર્ણ પગલાં લીધાં

  • TFC રિપોર્ટના અમલની ત્રિમાસિક સમીક્ષા
  • ક્ષેત્રવાર નીતિ સમીક્ષાઓ અને નીતિ પેપર્સનું પ્રકાશન
  • સુરત ઇકોનોમિક રીજીયન પ્લાનના આધારે ગુજરાતના પાંચ વિસ્તારો માટે આર્થિક માસ્ટર પ્લાન તૈયાર કરવો
  • વિક્સિત ગુજરાત @2047 માટે અમલીકરણ માર્ગરેખા તથા મોનીટરીંગ મિકેનિઝમ વિકસાવવું
  • ગુજરાત @75: એજન્ડા ફોર 2035 અહેવાલ તૈયાર કરવો
  • અસ્તિત્વમાં રહેલી નીતિઓનું મૂલ્યાંકન કરી પુરાવા આધારિત ગવર્નેન્સ સુનિશ્ચિત કરવું

વ્યૂહાત્મક ભાગીદારી અને કાર્યક્રમો

  • IIM સાથે મુખ્ય જ્ઞાન સંસ્થા તરીકે MoU
  • PDEU સાથે MoU
  • રિસર્ચ સપોર્ટ અને ઇન્ટર્નશિપ પ્રોગ્રામનો પ્રારંભ

અત્યાર સુધી GRITએ કૃષિ, શિક્ષણ, ઉદ્યોગ, પોષણ, સ્ટાર્ટઅપ્સ અને પ્રાદેશિક આર્થિક વિકાસ જેવા ક્ષેત્રોમાં છ ક્ષમતા વિકાસ કાર્યક્રમો યોજ્યા છે.

આગામી સમયમાં GRITની વ્યાખ્યાન શ્રેણીમાં ખ્યાતનામ નેતાઓ, નીતિનિર્માતાઓ અને વિષય નિષ્ણાતો ભાગ લેશે, જેથી ગુજરાતની વિકાસ ગાથાને વધુ વેગ મળે.