CBIએ બેંક છેતરપિંડી કેસમાં રાજ્યમાં પાડ્યા દરોડા

અમદાવાદઃ કેન્દ્રીય અન્વેષણ બ્યુરો (સીબીઆઈ)એ અમદાવાદસ્થિત એક ખાનગી કંપની સામે 121 કરોડ રૂપિયાની બેંક છેતરપિંડીના કેસમાં રાજ્યમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે, એમ  અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી હતી. CBIએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમદાવાદ અને ગાંધીનગરમાં ત્રણ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા અને આક્ષેપજનક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા.

બેંક ઑફ ઇન્ડિયાની ફરિયાદને આધારે ‘અનિલ બાયોપ્લસ’ અને તેના ડિરેક્ટરો અમોલ શ્રીપાલ શેઠ, દર્શન મહેતા અને નલિન ઠાકુર સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. તપાસ એજન્સીએ જણાવ્યું હતું કે ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે કંપનીના ડિરેક્ટરોએ બેંક ઓફ ઇન્ડિયાના અજ્ઞાત અધિકારીઓ સાથે મળી એક સુનિયોજિત ષડયંત્ર રચ્યું અને બેંકને 121.60 કરોડ રૂપિયાનું ગેરકાયદે રીતે નુકસાન પહોંચાડ્યું હતું.

કંપની અને તેના ડિરેક્ટરોએ ખોટા દસ્તાવેજો અને ખોટી માહિતી આપીને બેંક સાથે છેતરપિંડી કરી હોવાનો આરોપ છે. આ કેસ નોંધાયા બાદ CBIએ તરત જ કાર્યવાહી કરી હતી. તેમણે અમદાવાદ અને ગાંધીનગરમાં આવેલી ABL કંપનીની ઓફિસો અને ડિરેક્ટરોના ઘર પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સર્ચ દરમિયાન CBIને ઘણા મહત્વના દસ્તાવેજો, હાર્ડ ડિસ્ક અને અન્ય પુરાવા મળ્યા છે.

બેંક ઓફ ઇન્ડિયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે ABL કંપનીએ જુદાં-જુદાં બેંક ખાતાઓ અને પ્રોજેક્ટો માટે લોન લીધી હતી, પરંતુ આ લોનનો ઉપયોગ જે હેતુ માટે લેવામાં આવી હતી તેને બદલે બીજી જગ્યાએ કર્યો હતો, જેને કારણે બેંકને મોટું નુકસાન થયું હતું.