કચ્છ: સમગ્ર દેશમાં અતિ દુર્લભ તથા ગુજરાતમાં માત્ર કચ્છ જિલ્લામાં જ જોવા મળતા કેરેકલ (હેણોતરો)ના લાંબા ગાળાના સંરક્ષણ અને સંવર્ધન માટે આ વિસ્તારને કેરેકલ પ્રજનન અને સંરક્ષણ વિસ્તાર તરીકે વ્યવસ્થાપિત કરવામાં આવશે.કચ્છની મહત્વની પ્રાકૃતિક ધરોહર સમા આ ચાડવા રખાલ ખાતે કેરેકલ-હેણોતરો ઉપરાંત દીપડા, મગર, ચિંકારા, ઘોર ખોદીયું, શિયાળ જેવા ૨૮ જેટલા સસ્તન, ૨૮ સરિસૃપ અને ૨૪૨ વિહંગ પ્રજાતિ મળી કુલ ૨૯૬ જેટલી પ્રજાતિની પ્રાણીજ વૈવિધ્યતા જોવા મળે છે. એટલું જ નહિં ૨૪૩ જેટલી પ્રજાતિની વાનસ્પતિક વૈવિધ્યતા પણ આ વિસ્તારમા છે.વન્યજીવ તથા વાનસ્પતિક સંશોધનકારો માટે પોટેન્શિયલ ધરાવતો આ વિસ્તાર ઈકો ટુરિઝમ એક્ટિવિટીની પણ સંભાવના ધરાવે છે. આ ચાડવા રખાલની ૪૯૦૦ હેક્ટર જમીનનો કબ્જો કચ્છના પૂર્વ રાજવી પરિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં રાજ્ય સરકારને સોંપ્યો હતો.રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે પ્રાકૃતિક સંપદાના સંરક્ષણ અને સંવર્ધન માટે ચાડવા રખાલની આ જમીન વન વિભાગને સોંપી છે. ભૂપેન્દ્ર પટેલે ચાડવા રખાલ વિસ્તારમાં કેરેકલ(હેણોતરો) બ્રીડીંગ એન્ડ કન્ઝર્વેશન સેન્ટર વિકસાવવા ૧૦ કરોડ રૂપિયા ફાળવીને વન્યપ્રાણી સપ્તાહની હાલ ચાલી રહેલી ઉજવણી દરમિયાન મહત્વપૂર્ણ ભેટ આપી.