સંગીત નગરી વારાણસીમાં નરેન્દ્ર મોદી માટે સંગીતમય પ્રચાર…..

ગુજલા કે શહેનાઇ બાજેલા સિતાર હે….

ધન્ય ભઇ કાશીનગરી મોદી મહિમા પાર હો….

રસ કી ફૂહાર મેં ભીંજે બનારસ…..

વારાણસી એના સુપ્રસિધ્ધ કાશી વિશ્વનાથના મંદિર, એના ઘાટ, ગંગાના તટ અને એના સંગીત ઘરાના માટે જગમશહૂર છે. આ શહેરમાં આવો એટલે ક્યાંક ને ક્યાંક તમને શાસ્ત્રીય સંગીતના સૂર સંભળાય એ સ્વાભાવિક છે.

પણ વારાણસી ના અસ્સી ઘાટ પર કે પછી જેના માટે એ મશહૂર છે એવી એની સાંકડી ગલીઓમાં આજકાલ તમને જો રાગ ભૈરવમાં આવું કાંઇક સાંભળવા મળે તો સમજવું કે એ નરેન્દ્ર મોદીના સમર્થનમાં અહીં પ્રચાર કરવા આવેલા જાણીતા શાસ્ત્રીય ગાયિકા સોમા ઘોષનો અવાજ છે. સોમાજી આજકાલ કાર્યક્રમોમાં સ્ટેજ પર દેખાવાના બદલે બનારસની ગલીઓમાં ફરીને નરેન્દ્ર મોદીનો પ્રચાર કરતા જોવા મળી રહયા છે. એને એ પણ ભાજપના આમંત્રણથી નહીં, પણ સ્વૈચ્છાએ.

હા, પ્રાચીન નગરી વારાણસીમાં આજકાલ રાજકીય ચૂંટણીપ્રચારની સાથે એક અનોખા પ્રકારનો પ્રચાર પણ જોવા મળી રહ્યો છે. આ પ્રચાર કરનારા નથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કે નથી એમને ભાજપ સાથે કોઈ લેવાદેવા. એ તો છે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દીવાના એવા એમના સમર્થકો.

આવા જ એક સમર્થક એટલે સોમા ઘોષ. પદ્મશ્રી સોમાજી ખૂબ જાણીતા શાસ્ત્રીય ગાયિકા છે. સંસદમાં પણ ગાવાનું બહુમાન એમને મળ્યું છે. સુપ્રસિદ્ધ શહનાઈવાદક અને ભારતરત્ન ઉસ્તાદ બિસ્મિલ્લા ખાંના એ દત્તક પુત્રી છે. મૂળ બનારસના એવા સોમાજી રહે છે મુંબઈમાં, પણ આજકાલ એ મુંબઈથી ખાસ બનારસ આવીને નરેન્દ્ર મોદી માટે પ્રચાર કરી રહ્યા છે. વહેલી સવારે એ તમને અસ્સી ઘાટ પર જોવા મળે અને બપોર પછી એ બનારસની ગલીઓમાં લોકો સાથે વાતો કરીને નરેન્દ્રભાઈને મત આપવાની અપીલ કરતા જોવા-સાંભળવા મળે.

ચિત્રલેખા સાથેની વાતચીતમાં સોમાજી કહે છે, ‘હું નરેન્દ્ર મોદીની સમર્થક છું. નરેન્દ્રભાઈએ જે રીતે દેશને સૂકાન આપ્યું છે અને જે રીતે એમણે બનારસનો વિકાસ કર્યો છે એ અકલ્પનીય છે. મોદીજી ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિની વાત કરે છે.’

સોમાજી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની એમની મુલાકાતનો એક કિસ્સો પણ યાદ કરે છે. આ મુલાકાતમાં નરેન્દ્રભાઇએ એમને લુપ્ત થતા જતાં વાદ્યો અને ગાયિકીની જાળવણી માટે કાંઇક કરવું જોઇએ એવું સૂચન કર્યું હતું. સોમાજીને એ વાત ખૂબ જ ગમી છે અને ભવિષ્યમાં આ દિશામાં કાંઇક કરવાની એમની ઇચ્છા છે.

શું કહે છે સોમાજી? જૂઓ આ વિડીયો……

(અહેવાલઃ કેતન ત્રિવેદી)

(તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]