નવી દિલ્હીઃ કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા (CAG) એ મોદી સરકારની મહત્ત્વાકાંક્ષી યોજના પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના (PMKVY)માં અનેક ગંભીર ગેરરીતિઓ શોધી કાઢી છે. ઓડિટ દરમિયાન આવા ઘણા કેસ સામે આવ્યા છે જ્યાં શંકાસ્પદ બેંક અકાઉન્ટ નંબર નોંધાયેલાં હતાં. એટલું જ નહીં, અનેક જગ્યાએ એક જ તસવીરનો વારંવાર અલગ-અલગ ઉમેદવારો માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. એ ઉપરાંત, આશરે 34 લાખ પ્રમાણિત ઉમેદવારો એવા છે જેમને હજુ સુધી તેમનાં બાકી ચુકવણાં નથી મળ્યાં.
CAGની આ તમામ શોધો તેની ઓડિટ રિપોર્ટમાં નોંધાઈ છે, જે ગુરુવારે લોકસભામાં મૂકવામાં આવી હતી. આ નિષ્કર્ષો ખાસ મહત્વના છે, કારણ કે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના સરકારની મુખ્ય યોજનાઓમાંની એક છે. આ યોજનાનો ઉદ્દેશ બેરોજગારી સામે લડવાનો અને યુવાઓને સ્કિલ ડેવલપમેન્ટ તરફ આકર્ષવાનો છે.
PMKVYની શરૂઆત જુલાઈ, 2015માં થઈ હતી. આ યોજના ત્રણ તબક્કામાં અમલમાં મૂકવામાં આવી હતી. વર્ષ 2015થી 2022 વચ્ચે તેના માટે રૂ. 14,450 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્યું હતું. આ સમયગાળામાં આશરે રૂ. 1.32 કરોડ ઉમેદવારોને સ્કિલ ટ્રેનિંગ આપવામાં આવી અને પ્રમાણપત્રો જારી કરાયા. યોજનાનો પ્રથમ તબક્કો 2015-16 સુધી, બીજો તબક્કો 2016થી 2020 સુધી અને ત્રીજો તબક્કો 2021થી 2022 સુધી ચાલ્યો હતો.
જ્યારે CAGએ ઇલેક્ટ્રોનિક ઓળખ અને સંપર્ક વિગતોની તપાસ કરી, ત્યારે બેંક અકાઉન્ટ સાથે જોડાયેલી અનેક ગેરરીતિઓ સામે આવી. આંકડા મુજબ 95,90,801 ભાગ લેનારા ઉમેદવારોમાંથી 90,66,264 લોકોના રેકોર્ડમાં બેંક અકાઉન્ટ વિગતો શૂન્ય હતી, અથવા Null/N.A. તરીકે નોંધાયેલી હતી, અથવા કોલમ ખાલી છોડવામાં આવ્યો હતો એટલે કે 94.53 ટકા કેસોમાં બેંક અકાઉન્ટની યોગ્ય માહિતી ઉપલબ્ધ જ નહોતી. CAGના મતે, આવી સ્થિતિ યોજનાની પારદર્શિતા પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.



