નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના આવતા વર્ષ માટેના અંદાજપત્રમાં શરાબ-વાઈનના શોખીનોને રાહત મળવાની ધારણા છે. સરકાર શરાબ પરનો વેરો ઓછો કરે એવી માગણી શરાબ અને વાઈન ઉત્પાદકોના એસોસિએશને કરી છે.
ઉલ્લેખનીય છે કે, દર વર્ષે કેન્દ્ર સરકાર નવું બજેટ સંસદમાં જાહેર કરે એની પહેલાં, એ તૈયાર કરાતું હોય ત્યારે દેશના વિવિધ ઉદ્યોગ ક્ષેત્રો તરફથી સરકારને અમુક માગણીઓ અને સૂચનો મોકલવામાં આવે છે. શરાબ ઉત્પાદકોના એસોસિએશન ‘ઈન્ટરનેશનલ સ્પિરિટ્સ એન્ડ વાઈન એસોસિએશન ઓફ ઈન્ડિયા’ (ISWAI)નાં સીઈઓ નીતા કપૂરે સરકારને માગણી મોકલી છે કે તે દેશમાં શરાબ પરનો વેરો ઘટાડી દે. હાલ શરાબ પર મોટી સંખ્યામાં વેરો વસૂલમાં આવતો હોવાથી શરાબ-વાઈન ઉદ્યોગને મોટું નુકસાન જાય છે. આ ઉદ્યોગમાં 15 જેટલા લોકોના રોજગાર પર સવાલ ઉભો થયો છે. શરાબની કિંમત પર વેરાનો દર 67થી 80 ટકા જેટલો છે. કરવેરાના બોજ, વધતા ઉત્પાદન ખર્ચ તથા અન્ય ખર્ચને કારણે આ ઉદ્યોગ સંકટમાં આવી ગયો છે. રાજ્ય સરકારોને થતી મહેસૂલી આવકમાં શરાબ-વાઈન ઉદ્યોગનો હિસ્સો 25-40 ટકાનો છે.