જાણીતી બ્રાન્ડે વગરપૂછે ફોટો વાપરતાં અનુષ્કા ભડકી

નવી દિલ્હીઃ બોલીવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા સોશિયલ મિડિયા દ્વારા પોતાના વિચારો મૂકતાં ટ્રોલર્સને પણ આડે હાથ લેતી હોય છે. હાલમાં એક્ટ્રેસે ઇન્સ્ટા સ્ટોરી દ્વારા જાણીતી સ્પોર્ટ્સ વેર બ્રાન્ડ પૂમા ઇન્ડિયાને વગર મંજૂરી ફોટાના ઉપયોગ બદલ ઝાટકણી કાઢી હતી. એક્ટ્રેસે બ્રાન્ડને સોશિયલ મિડિયા પેજથી ફોટો તત્કાળ દૂર કરવા નિર્દેશ આપ્યા હતા.

અનુષ્કાએ પૂમા બ્રાન્ડ દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટનો સ્ક્રીનશોટ લેતા ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું હતું કે હે પૂમા ઇન્ડિયા, મને ખાતરી છે કે જાહેરાત કરવા માટે મારો ફોટાનો ઉપયોગ કરતાં પહેલાં કંપનીએ મારી મંજૂરી લેવી જરૂરી છે, કેમ કે હું તમારી કંપનીની બ્રાન્ડ એમ્બેસેડર નથી, જેથી પ્લીઝ, મારો ફોટો તત્કાળ દૂર કરો. એ સાથે એક્ટ્રેસે બે ગુસ્સાવાળા ઇમોજી પણ શેર કર્યા હતા. પૂમા ઇન્ડિયાની પોસ્ટમાં અનુષ્કા પૂમાના સ્પોર્ટ્સવેરમાં નજરે ચઢી રહી છે.

ત્યાર બાદ અનુષ્કાએ પૂમા ઇન્ડિયાની વધુ એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે અને પ્યુમાનો કોન્ટ્રેક્ટનો ધૂંધળો ફોટો પણ હતો અને જેના પર કોન્ફિડેન્શિયલ લખેલું હતું. આ ફોટોને પૂમાએ શેર કરતાં લખ્યું હતું કે હે @અનુષ્કા અમારે જલદી સંપર્ક કરવો જોઈતો હતો. શું આપણ આ બાબતોને આગામી સ્તરે લઈ જવી જોઈએ? આ પોસ્ટ પર જવાબ આપતાં અનુષ્કાએ લખ્યું હતું કે હું આ બાબતે રાતે વિચારીને પછી નિર્ણય લઈશ.

વિરાટે પણ આ વિવાદ પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે પ્લીઝ, આ મામલે ઉકેલ લાવે પૂમા ઇન્ડિયા. જોકે પૂમા ઇન્ડિયાની પોસ્ટને વિરાટ પહેલાં જ લાઇક કરી ચૂક્યો છે, જે પછી લોકોનું કહેવું છે કે આ એક પબ્લિસિટી સ્ટંટ છે.