અર્થતંત્રને પાટે લાવવા સરકારની નજર જીએસટી દરમાં ઘટાડા તરફ?

નવી દિલ્હી- જીએસટી કાઉન્સિલની 20 સપ્ટેમ્બર ના રોજ મળનારી મહત્વની બેઠક પહેલા નાણાંમંત્રાલય મહેસૂલના આંકડાઓ પર નજર કરી રહ્યું છે. મંત્રાલય એ જોવા માંગે છે કે, તહેવારોની સિઝનમાં માગ વધારવાના ઈરાદે જો જીએસટી દરમાં ઘટાડો કરવામાં આવે તો મહેસૂલ પર તેની કેટલી અસર પડશે.

સુત્રોના જણાવ્યા અનુસાર જીએસટી દરમાં ફેરફાર પર વિચારણા કરનારી પેનલની ટુંક સમયમાં જ બેઠક મળી શકે છે, જે કેટલાક રાજ્યો અને ઈન્ડસ્ટ્રી તરફથી આપેલા સૂચનો પર વિચાર કરશે. આ પેનલમાં કેન્દ્ર અ રાજ્યોના અધિકારીઓ છે. ઓટોમોબાઈલ્સ, ટાયર, સીમેન્ટ, એર કન્ડિશનર, અને મોટા એલસીડી ટીવીને હજુ 28 ટકાના સ્લેબમાં રાખવામાં આવ્યાં છે. ઓટોમોબાઈલ્સ પર સેસ પણ લાગે છે, જે ગાડીની સાઈઝ પર આધાર રાખે છે. એક અધિકારીએ જણાવ્યું કે, અનેક મુદ્દાઓ પર ઉંડાણપૂર્વક વિચાર કરવામાં આવી રહ્યો છે. આંકડાઓનું પણ વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.

ઈકોનોમીને વેગ આપવાના અનેક સૂચનો

કેટલાક રાજ્યોએ કેન્દ્ર સરકારને પત્ર લખીને કહ્યું કે, ઓટોમોબાઈલ્સ અને સીમેન્ટ પર દર ઘટાડવો જોઈએ જેથી ઈકોનોમીને મદદ મળી શકે. કેટલાક રાજ્યોનું માનવુ છે કે, રેટ સ્ટ્રક્ચરની જ સમીક્ષા કરવાની જરૂરીયાત છે, 12 ટકા અને 18 ટકાના સ્લેબને એક કરી દેવા જોઈએ.

જીએસટી કાઉન્સિલની ગોવામાં મળનારી બેઠકમાં મહત્વનો મુદ્દા ઓટોમોબાઈલ પર રેટ કટનો હશે. આ મુદ્દે રાજ્યોમાં મતભેદ પણ છે. પંજાબે રેટ સ્ટ્રક્ચર પર વિસ્તૃત વિચારણા કરવા પર ભાર મુક્યો છે અને ઓટોમોબાઈલ સહિતના સેક્ટરો માટે રેટ કટ કરવા કહ્યું છે. તો કેરળે આ પગલાનો વિરોધ કર્યો છે.

પશ્ચિમ બંગાળે પણ ઓટો સેક્ટર માટે પગલા ભરવાની માગ કરી છે, ખાસ કરીને હાઈબ્રિડ અને BSVI ગાડીઓ માટે. BS VI ગાડીઓ માટે નિયમો કડક છે. આરબીઆઈએ ઓગસ્ટમાં રેપો રેટમાં 35 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો કર્યો છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, હવે ઈકોનોમીને મદદરૂપ થવા જરૂરી પગલા લેવાની જવાબદારી સરકારની છે.

મેન્યુફેક્ચરિંગ ગ્રોથ માત્ર 0.6 ટકા રહ્યો. કન્ઝમ્પશને છેલ્લા કેટલાક વર્ષોમાં ગ્રોથને મદદ કરી હતી, પરંતુ ખાનગી રોકાણ અને એક્સપોર્ટ્સમાં નરમાઈને પગલે કોઈ પણ રિવાઈવલ પ્લાન એ વાત પર નિર્ભર છે કે, લોકો તહેવારોની સીઝનમાં ખરીદી માટે મુઠ્ઠી ખોલે છે કે નહીં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]