મુંબઈ – અમેરિકાસ્થિત ગ્લોબલ રીટેલ કંપની વોલમાર્ટની ભારતસ્થિત પેટાકંપની વોલમાર્ટ ઈન્ડિયાએ ભારતમાં 56 કર્મચારીઓને છૂટા કરી દીધા છે. આમાં આઠ સિનિયર મેનેજમેન્ટ સ્તરના છે.
કંપનીએ તેની પુનઘર્ડતર પ્રક્રિયા શરૂ કરી છે અને તેના ભાગરૂપે એણે 56 કર્મચારીઓને છૂટા કર્યા છે.
વોલમાર્ટ ઈન્ડિયા ભારતમાં 28 કેશ-એન્ડ-કેરી સ્ટોર્સ ચલાવે છે. આ સ્ટોર્સને વધારે સરસ રીતે ચલાવવાનો તે પ્લાન ઘડી રહી છે.
વોલમાર્ટ ઈન્ડિયાના પ્રેસિડન્ટ અને સીઈઓ ક્રિશ ઐયરે એક નિવેદનમાં જણાવ્યું છે કે અમે અમારા સ્ટોર્સને વધારે કુશળતાપૂર્વક ચલાવવા માગીએ છીએ. એ માટે અમારે અમારા કોર્પોરેટ સ્ટ્રક્ચરની સમીક્ષા કરવી આવશ્યક છે, જેથી અમે યોગ્ય રીતે ઓર્ગેનાઈઝ થઈ શકીએ. આ સમીક્ષાના ભાગરૂપે અમે કોર્પોરેટ ઓફિસમાં તમામ સ્તરે અમારા 56 સહયોગીઓને છૂટા કર્યા છે.
આ 56 જણમાં 8 જણ સિનિયર મેનેજમેન્ટ સ્તરે છે અને 48 જણ મધ્યમ તેમજ નીચલા સ્તરના મેનેજમેન્ટમાં છે.
ઐયરે જોકે એક સ્પષ્ટતા કરી છે કે કંપની આવતા એપ્રિલ મહિનામાં રીસ્ટ્રક્ચરિંગનો બીજો રાઉન્ડ લાવવાની નથી. એ વિશેની બધી અફવાઓ પાયાવિહોણી અને ખોટી છે.
વોલમાર્ટે ભારતમાં છ નવા બેસ્ટ પ્રાઈસ મોડર્ન હોલસેલ સ્ટોર્સ શરૂ કર્યા છે અને 2019માં કંપનીનું વેચાણ 22 ટકા જેટલું વધ્યું હતું. કંપની વાસ્તવિક (બ્રિક એન્ડ મોર્ટર અથવા નોર્મલ) સ્ટોર્સ તથા ઈ-કોમર્સ બિઝનેસમાં વધુ મૂડીરોકાણ કરવાની છે.
ઉલ્લેખનીય છે કે 2018માં વોલમાર્ટે ભારતની ઈ-કોમર્સ રીટેલર કંપની ફ્લિપકાર્ટમાં 16 અબજ ડોલરમાં બહુમતી હિસ્સો ખરીદી લીધો હતો અને ત્યારબાદ કંપનીના બ્રિક એન્ડ મોર્ટર બિઝનેસમાં છટણીઓ કરવાનું શરૂ કર્યું હતું.
વોલમાર્ટનો મુકાબલો હરીફ ગ્લોબલ કંપની એમેઝોન સાથે છે. આ બંને કંપની વચ્ચે ભારતમાં ગળાકાપ હરીફાઈ ચાલી રહી છે.
વોલમાર્ટે 2014માં ભારતમાં પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો અને પહેલો સ્ટોર લખનઉ અને હૈદરાબાદમાં ઈ-કોમર્સ બિઝનેસ શરૂ કર્યો હતો. બાદમાં એણે બીજા સ્ટોર્સ પણ શરૂ કર્યા હતા.