મુંબઈઃ અમેરિકામાં વધી રહેલો ફુગાવો ઈક્વિટીની સાથે સાથે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં પણ અજંપો વધારી રહ્યો છે. ફેડરલ રિઝર્વ ફુગાવાને કારણે વ્યાજદરમાં મોટો વધારો કરે એવી આશંકા વચ્ચે શુક્રવારે બિટકોઇન સહિતની ક્રીપ્ટોકરન્સીમાં કડાકો બોલાયો હતો.
અમેરિકામાં આશ્ચર્યજનક રીતે ફુગાવો ઘણો વધી ગયો હોવાથી સેંટ લુઇસ ફેડરલ રિઝર્વના પ્રમુખ જેમ્સ બુલાર્ડને પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે જુલાઈ સુધીમાં વ્યાજદરમાં એક ટકાનો વધારો કરવામાં આવી શકે છે. આ સંદર્ભમાં જણાવવાનું કે અમેરિકાના શ્રમ ખાતાએ જાહેર કર્યા મુજબ જાન્યુઆરી મહિનાનો કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ તરીકે ઓળખાતો રીટેલ ફુગાવો 7.5 ટકાના સ્તરે પહોંચ્યો હતો. તમામ વિશ્લેષકોએ આપેલા અંદાજ કરતાં આ પ્રમાણ વધારે હતું.
શુક્રવારે અમેરિકાના સ્ટૉક્સ ફ્યુચર્સમાં પણ ઘટાડો થયો હતો. બિટકોઇનમાં ચોવીસ કલાકમાં 3 ટકાનો ઘટાડો નોંધાઈને ભાવ 43,274 ડૉલર પર પહોંચ્યો છે. એ જ રીતે ઈથેરિયમ પણ 3 ટકા ઘટીને 3,102 ચાલી રહ્યો છે.
દરમિયાન, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો ક્રીપ્ટોકરન્સીનો વિશ્વનો પ્રથમ ઇન્ડેક્સ – આઇસી15 3.97 ટકા (2,615 પોઇન્ટ) ઘટીને 63,198 પોઇન્ટ બંધ રહ્યો હતો. આઇસી15 ઇન્ડેક્સ 65,813 ખૂલ્યા બાદ ઉપરમાં 66,619 અને નીચામાં 62,192 પોઇન્ટ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
65,813 પોઇન્ટ | 66,619 પોઇન્ટ | 62,192 પોઇન્ટ | 63,198 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 11-2-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |