ન્યુ યોર્કઃ અમેરિકી કંપનીઓએ આ વર્ષના પહેલા ત્રિમાસિક –જાન્યુઆરીથી માર્ચ, 2023માં આશરે 2,70,416 નોકરીઓની છટણીનું એલાન કર્યું છે. જે ગયા વર્ષની તુલનાએ આશરે 396 ટકા વધુ છે. ગયા વર્ષે આ ત્રિમાસિક ગાળામાં અમેરિકી કંપનીઓએ 55,696 કર્મચારીઓની છટણી કરી હતી. સૌથી વધુ છટણી ટેક્નોલોજી ક્ષેત્રમાં જોવા મળી હતી, એમ અહેવાલ કહે છે. માર્ચ મહિનામાં અમેરિકી કંપનીઓએ 89,703 કર્મચારીઓની છટણી કરી છે. જ્યારે ફેબ્રુઆરીમાં 77,770 નોકરીઓના કાપને મુકાબલે પાંચ ટકા વધુ છે. જ્યારે 2022માં આ મહિનામાં 21,387 કાપથી 319 ટકા વધુ છે.
આ માહિતી ગ્લોબલ આઉટપ્લેસમેન્ટ અને એક્ઝિક્યુટિવ કોચિંગ ફ્રમ ચેલેન્જર, ગ્રે અને ક્રિસમસના એક રિપોર્ટમાં આપવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે માર્ચમાં એ સતત ત્રીજો મહિનો છે, જ્યારે છટણી એક વર્ષના આ મહિનાની તુલનામાં વધુ રહી છે.
ચેલેન્જર. ગ્રે અને ક્રિસમસના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ એન્ડ્ર્યુ ચેલેન્જરે જણાવ્યું હતું કે અમે જાણીએ છીએ કે કંપનીઓ 2023માં ઘણી સાવચેતી સાથે આગળ વધી રહી છે. જોકે અર્થતંત્ર હજી પણ રોજગારીનું સર્જન કરી રહ્યું છે. વ્યાજદરોમાં વધારો જારી રહેતા કંપનીઓ ખર્ચમાં કાપ મૂકી રહી છે, જેથી મોટા સ્તરે છટણી જોવા મળી રહી છે. જે હજી પણ આગળ જારી રહેશે.
તેમણે કહ્યું હતું કે સૌથી વધુ છટણી ટેક્નોલોજી ક્ષેત્રમાં જોવા મળી રહી છે અને આ ટેલેન્ટની બધાં ક્ષેત્રોમાં માગ છે. ટેક્નોલોજી ક્ષેત્રમાં 38 ટકા છટણી થઈ છે.