મુંબઈઃ ઓટોટેક કંપની ‘કાર્સ24’ દ્વારા બહાર પાડવામાં આવેલી વિગત અનુસાર, ભારતમાં દર પાંચ જણમાંથી ત્રણ જણ કાર ખરીદવા માટે કાર લોન લેવાનું પસંદ કરે છે. આનું મુખ્ય કારણ એ છે કે ભારતમાં કાર લોન મેળવવી આસાન છે અને સરળતાભરી પણ છે. ટાયર-2 અને ટાયર-3 શહેરોમાં આ ટ્રેન્ડ વધારે જોવા મળ્યો છે, જ્યાં કાર ખરીદનારાઓમાં 75 ટકા લોકો ફાઈનાન્સ કંપનીઓ પાસેથી પૈસા ઉધાર-લોન પેટે લેવાનું પસંદ કરે છે. જ્યારે ટાયર-1 અથવા મેટ્રો શહેરોમાં 60 ટકા લોકો કાર ખરીદવા માટે લોન લેવાનું પસંદ કરે છે.
સર્વે હાથ ધરનાર કંપનીનું કહેવું છે કે વાહનોની વધી ગયેલી કિંમત, અત્યાધુનિક ફીચર્સવાળી નીત-નવી મોડેલની કાર ખરીદવાની ઈચ્છા તેમજ લોન પેકેજ આકર્ષક શરતોએ ઉપલબ્ધ થતું હોવાથી વધુ લોકો લોન લેવાનું પસંદ કરે છે. જેને માટે કાર લોન સૌથી વધારે લેવાઈ રહી છે એમાં મારુતિ સ્વિફ્ટ, હ્યુન્ડાઈ i10 અને રેનો ક્વિડ જેવા હેચબેક મોડેલ્સ મોખરે છે. કાર ખરીદી માટે લોન લેવાનું પસંદ કરનારાઓની સરેરાશ વય 32 છે. આમાં પગારદાર લોકો અને યુવાન ઉદ્યોગસાહસીઓનો સમાવેશ થાય છે.