નવી દિલ્હીઃ નવું વર્ષ 2022 શરૂ થવાનું છે અને વર્ષ 2021માં હવે પાંચ જ દિવસની વાર છે. પૈસાથી જોડાયેલાં કેટલાંક જરૂરી કામ છે, જેને 31 ડિસેમ્બર સુધી પૂરાં કરવાં જરૂરી છે. આ મહત્ત્વનાં કામ- ITR ફાઇલિંગ, આધાર-PF લિન્ક, પેશન્શનરો માટે લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવું વગેરે. આ જરૂરી કામમાં જો ચૂક થઈ તો નાણાકીય નુકસાન થઈ શકે છે.
ITR ફાઇલિંગઃ સરકારે નાણાકીય વર્ષ 2020-21 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની સમયમર્યાદા 31 ડિસેમ્બર, 2021 સુધી વધારી દીધી છે. સરકાર અનેક વાર આ મુદતમાં વધારો કરી ચૂકી છે. સરકાર નવા પોર્ટલ પર આવતી મુશ્કેલીઓ અને કોરોના વાઇરસને લીધે આ ડેડલાઇનને આગળ વધારી હતી. જોકે કરદાતા આ ડેડલાઇન ચૂકી જશે તો રૂ. 5000નો દંડ ચૂકવવો પડશે.
આધાર PF લિન્કઃ એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશને આધાર કાર્ડને PF એકાઉન્ટ સાથે લિન્ક કરવું ફરજિયાત કર્યું છે. આ લિન્ક કરવાની સમયમર્યાદા 31 ડિસેમ્બર છે. જો એમાં ચૂક થઈ તો EPFO ખાતામાં રિક્રૂટર્સનો હિસ્સો ઉમેરવાનું બંધ કરી દેશે. PF નિયામકે બધા EPF ખાતાધારકોને UAN પ્રાપ્ત કરવા માટે પણ નિર્દેશ આપ્યો છે.
પેન્શનર્સનું લાઇફ સર્ટિફિકેટઃ જો તમે પેશનર્સની કેટેગરીમાં આવો છો તો તમારે 31 ડિસેમ્બર સુધીમાં લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવું જરૂરી છે, નહીં તો તમને પેન્શન મળવાનું બંધ થઈ જશે. વર્ષમાં એક વાર પેન્શનર્સે જીવિત હોવાનું પ્રમાણ એટલે કે લાઇફ સર્ટિફિકેટ 30 નવેમ્બર પહેલાં જમા કરવાનું હોય છે, પણ આ વખતે એની મુદત 31 ડિસેમ્બર સુધી વધારવામાં આવી છે.
ડીમેટ, ટ્રેડિંગ એકાઉન્ટનું KYC: સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)એ ડીમેટ અને ટ્રેડિંગ ખાતાઓમાં KYC (નો યોર ક્લાયન્ટ) કરાવવાની મુદત 30 સપ્ટેમ્બરથી વધારીને 31 ડિસેમ્બર કરી દીધી છે.