નવી દિલ્હીઃ આવનારા દિવસોમાં ભારતમાં બે અબજોપતિઓની વચ્ચે એક મોટી ટક્કર જોવા મળે એવી શક્યતા છે. દેશના સૌથી શ્રીમંત વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી અને બીજા છે સ્પેસએક્સ અને ટેસ્લાના માલિક એલન મસ્ક. ભવિષ્યમાં આ બંને અબજોપતિ ભારતમાં એકમેક સામે ટકરાશે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સબસિડિયરી કંપની રિલાયન્સ સ્ટ્રેટેજિક બિઝનેસ વેન્ચર્સ લિમિટેડ એટલે કે RSBVLએ સ્કાયટ્રાન ઇન્કોર્પોરેશનમાં 56.4 ટકા હિસ્સો ખરીદ્યો છે. આ કંપની ઓટોમેટેડ ટેક્સ પોડ બનાવે છે. જે ભવિષ્યને જોતાં ટ્રાફિક માટે એક સારો વિકલ્પ સાબિત થશે. બીજી બાજુ એલન મસ્કની હાઇપરલૂપ પણ ઓટોમેટેડ પોડ જેવા વેહિકલ બનાવવા પર રિસર્ચ કરી રહી છે. હાઇપરલૂપે એક રાઇડની ટેસ્ટિંગ પણ કરી લીધી છે.મુકેશ અંબાણી અને એલન મસ્ક- બંને ચુંબકીય તાકાત દાવ પર લગાવી રહ્યા છે. વાત ભલે હાઇપરલૂપની કરો અથવા સ્કાયટ્રાનની, બંને વેહિકલ મેગ્નેટ પાવરના આધારે ચાલશે અને દાવો એવો કરવામાં આવી રહ્યો છે કે એ પ્રતિ કલાક 240 કિલોમીટરની સ્પીડ પકડે એવી શક્યતા છે. હાઇપરલૂપના ત્રણ પ્રોજેક્ટ પર પહેલાથી ભારતમાં કામ ચાલી રહ્યું છે. આમાં મુંબઈથી પુણેની વચ્ચે કનેક્ટિવિટી, બીજી છે બેંગલુરુ એરપોર્ટની કનેક્ટિવિટી અને ત્રીજું ચંડીગઢની દિલ્હીથી કનેક્ટિવિટી છે.
કેટલોક સમય પહેલાં મુકેશ અંબાણીએ ઇલેક્ટ્રિક વેહિકલની બેટરી બનાવવાના બિઝનેસમાં ઊતરવાની ઘોષણા કરી હતી. હવે તેમણે સ્કાયટ્રાનમાં મૂડીરોકાણ કરીને તેમની મહત્ત્વાકાંક્ષનો નમૂનો રજૂ કરી દીધો છે. બીજી બાજુ ટેસ્લાએ ભારતમાં પ્રવેશીને કામ શરૂ કરી દીધું છે. બેંગલુરુમાં તેમણે કંપની રજિસ્ટર પણ કરાવી લીધી છે. મસ્કે ભારતમાં ગિગા ફેક્ટરી ખોલવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. મસ્કની ગિગા ફેકટરી રિન્યુએબલ એનર્જીમાં કામ કરે છે અને ઇલેક્ટ્રિક કારો માટે લિથિયમ-આયન બેટરીઓ પણ બનાવે છે. એટલે કે મુકેશ અંબાણી અને એલન મસ્ક –બંને ઇલેક્ટ્રિક વેહિકલની બેટરીઓ બનાવવાના વેપારમાં ઊતરશે.
