નવી દિલ્હીઃ અનિશ્ચિત માગના માહોલમાં દેશની પાંચ સૌથી મોટી IT સર્વિસિઝ કંપનીઓમાંની ચારમાં નાણાકીય વર્ષ 2024માં આશરે 70,704 કર્મચારીઓ ઓછા થયા છે. આ કંપનીઓ ટાટા કન્સલટન્સી સર્વિસિઝ (TCS) ઇન્ફોસિસ, વિપ્રો અને ટેક મહિન્દ્રા છે. છેલ્લા પાંચ વર્ષોમાં IT સર્વિસિઝ કંપનીઓમાં કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. જોકે આ પાંચ કંપનીઓમાં માત્ર HCL ટેકે માર્ચ 2024 ત્રિમાસિક ગાળામાં નવા કર્મચારીઓની ભરતી કરી હતી.
દેશની સૌથી મોટી IT કંપની TCSમાં આ વર્ષે 13,249 કર્મચારીઓની સંખ્યા ઘટી હતી.ગયા વર્ષના અંતે કંપનીમાં 6,01,546 કર્મચારીઓ હતો. કંપનીમાં 19 વર્ષોમાં સૌપ્રથમ વાર કર્મચારોની સંખ્યામાં ઘટાડો થયો હતો. આ સાથે ઇન્ફોસિસે આ વર્ષે 25,994 કર્મચારીઓ ઘટાડ્યા હતા. ઇન્ફોસિસે 23 વર્ષોમાં પહેલી વાર કર્મચારીઓની સંખ્યા ઘટાડી હતી.
વિપ્રો આ વર્ષે નાણાકીય વર્ષમાં અને માર્ચ ત્રિમાસિકમાં કર્મચારીઓની સંખ્યામાં અનુક્રમે 24,516 અને 6180નો ઘટાડો કર્યો હતો. ટેક મહિન્દ્રાએ વર્ષ 2024માં તેના કર્મચારીઓની સંખ્યામાં 6945નો ઘટાડો કર્યો હતો, જ્યારે માર્ચ, 2024માં 795 કર્મચારીઓનો ઘટાડો કર્યો હતો.
જોકે આ વલણથી ઊંધામાં HCL ટેકે નાણાકીય વર્ષ 2024માં આશરે 1537 કર્મચારીઓની ભરતી કરી હતી. કંપનીએ 12,141 ફ્રેશર્સ કર્મચારીઓને જોડ્યા હતા. કંપનીએ માર્ચ, 2024 સુધીમાં 2725 કર્મચારીઓને જોડ્યા હતા. માર્ચ ત્રિમાસિકમાં કંપનીમાં 2,27,481 કર્મચારીઓ હતા. કંપનીની યોજના વર્ષ 2025માં વધુ 10,000 ફ્રેશર્સને કંપની સાથે જોડવાની છે.