બજેટ-પહેલાં સેન્સેક્સ 938, નિફ્ટી 271 પોઇન્ટ તૂટ્યો   

મુંબઈઃ વૈશ્વિક નબળા સંકેતોને પગલે સ્થાનિક શેરબજારમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી છેલ્લા ઘણા સમયથી એકતરફી તેજી થઈ હતી. જેથી બજારમાં ઊંચા મથાળે નફારૂપી વેચવાલી થઈ હતી. સતત ચોથા ટ્રેડિંગ સેશનમાં બજાર ઘટ્યું હતું. છેલ્લા ચાર સત્રમાં સેન્સેક્સ 2381 પોઇન્ટ અને નિફ્ટી 676 પોઇન્ટ તૂટ્યા હતા. હવે બજેટ સોમવારે રજૂ થવાનું છે, ત્યારે બજારની ચાલ બજેટ નક્કી કરશે.

બીએસઈ સેન્સેક્સ 938 પોઇન્ટ તૂટીને 47,410ના સ્તરે અને નિફ્ટી 50 ઇન્ડેક્સ  271 પોઇન્ટ તૂટીને 14,000ની સપાટી તોડીને 13,968 પોઇન્ટ બંધ રહ્યો હતો. મિડકેપ સવા ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ અડધો ટકો તૂટ્યા હતા.

બજારમાં પાંચ સપ્તાહનો સૌથી મોટો ઘટાડો થયો હતો. સેન્સેક્સ રેકોર્ડ ઊંચાઈથી 3000 પોઇન્ટ અને નિફ્ટી રેકોર્ડ ઊંચાઇથી પાંચ ટકા નીચે હતો. બેન્ક નિફ્ટી રેકોર્ડ ઊંચાઈથી 2500 પોઇન્ટ નીચે બંધ આવ્યો હતો.

નિફ્ટીના 12 ઇન્ડેક્સ ઘટીને બંધ રહ્યા હતા. બેન્ક અને ફાઇનાન્શિયલ ઇન્ડેક્સ આશરે ત્રણ ટકા તૂટ્યા હતા. મેટલ, ફાર્મા અને રિયલ્ટી ઇન્ડેક્સ આશરે બે ટકા ઘટ્યા હતા. ઓટો ઇન્ડેક્સ બે ટકા ઘટ્યો હતો.

બજાર જ્યારે ઓવરબોટ પોઝિશનમાં છે, ત્યારે રોકાણકારો કંપનીનાં પરિણામો પહેલાં થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે, કેમ કે કેટલીક કંપનીનાં પરિણામો અપેક્ષા કરતાં નીચાં રહ્યાં છે અને બેન્કોની એનપીએ સતત વધી રહી છે, જેથી રોકાણકારો ડરી ગયા છે. આ ઉપરાંત વિદેશી રોકાણકારોએ શેરબજારોમાં ભારે વેચવાલી કરી હતી. એફઆઇઆઇએ 1688 કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી. છેલ્લા ત્રણ સેશનમાં એફઆઇઆઇએ કુલ 3000 કરોડની વેચવાલી કરી હતી.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]