નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કે ફરી એક વાર ગ્રોથને બદલે મોંઘવારીને મહત્ત્વ આપતાં રેપો રેટમાં કોઈ ફેરફાર નથી કર્યો. આ સતત નવમી વાર છે, જ્યારે RBIની મોનિટરી પોલિસી કમિટી (MPC)એ રેપો રેટમાં કોઈ ફેરફાર નથી કર્યો. રેપો રેટ 6.5 ટકાએ છે. RBIએ છેલ્લે ફેબ્રુઆરી, 2023માં રેપો રેટમાં કોઈ ફેરફાર નથી કર્યો. છેલ્લાં 25 વર્ષોમાં આ બીજી વાર છે, જ્યારે RBIએ લાંબા સમય સુધી વ્યાજદરોમાં કોઈ ફેરફાર ના કર્યો હોય.
RBIની છ સભ્યોવાળી MPCએ 2 વિરુદ્ધ ચારના બહુમતથી રેપો રેટમાં કોઈ ફેરફાર નથી કર્યો. MPCની બેઠક પછી મિડિયાને સંબોધિત કરતાં ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે બેન્કનું મોંઘવારી પર ધ્યાન કેન્દ્રિત રહેશે. એ હજી પણ ચાર ટકાના વચગાળાના લક્ષ્યથી વધુ છે. માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી (MFF) અને સ્ટેન્ડર્ડ ડિપોઝિટ ફેસિલિટી (SDF)ના દરો પણ ક્રમશઃ 6.75 ટકા ને 6.25 ટકાએ યથાવત રાખવામાં આવ્યા છે. આ સાથે રિવર્સ રેપો રેટ 3.35 ટકા, MSF અને બેન્ક રેટ 6.75 ટકા, SDF રેટ 6.25 ટકા, CRR 4.50 ટકા અને SLR 18 ટકા પર છે.
— ReserveBankOfIndia (@RBI) August 8, 2024
શક્તિકાંત દાસે અર્થતંત્ર પર કહ્યું હતું કે FY25 રિયલ GDP ગ્રોથ અંદાજ 7.2 ટકા રાખ્યો છે. FY25ના પહેલા ત્રિમાસિક માટે GDP અંદાજ 7.3 ટકાથી ઘટીને 7.1 ટકા કરી દીધો છે. બીજા ત્રિમાસિક માટે એ 7.2 ટકા, ત્રીજા ત્રિમાસિક માટે 7.3 ટકા અને ચોથા ત્રિમાસિક માટે 7.2 ટકા રાખવામાં આવ્યો છે.
RBI દ્વારા વ્યાજદરો યથાવત્ રાખવામાં આવતાં બેન્ક FDમાં વ્યાજ વધવાની અપેક્ષા જોવા મળી નથી. હોમ લોન ધારકોના EMI પર કોઈ વધારો થશે નહીં. રેપો રેટ RLLR લિંક લોન પર જ લાગુ થાય છે. જેથી રેપો રેટમાં થતાં ફેરફારોની અસર આ પ્રકારની લોન ધરાવતા લોનધારકોના EMI પર થાય છે. પરંતુ MCLR પર લેવામાં આવેલી હોમ લોન રેપો રેટ સાથે લિંક નથી.