આઇસી15 ઇન્ડેક્સમાં 1,801 પોઇન્ટનો વધારો થયો

મુંબઈઃ રશિયા અને યુક્રેનના નાગરિકોએ બિટકોઇનની માગ વધારતાં એ ક્રીપ્ટોકરન્સીના ભાવમાં વૃદ્ધિ થઈ હતી. બિટકોઇનના નેજા હેઠળ અન્ય કરન્સીઝમાં પણ વધારો નોંધાયો હતો. જોકે, હજી આ બન્ને દેશો વચ્ચેની મંત્રણામાં કોઈ પ્રગતિ નહીં થતાં ભાવમાં થતો વધારો મર્યાદિત રહ્યો હતો.

યુક્રેનના પ્રમુખ વોલેદીમીર ઝેલેન્સ્કીએ નાગરિકોનાં સ્થળોએ બૉમ્બમારો નહીં કરવાનો રશિયાને અનુરોધ કર્યો છે. ઉપગ્રહ પરથી લેવામાં આવેલી તસવીરો દર્શાવે છે કે રશિયાનો 40 માઇલ લાંબો કાફલો સશસ્ત્ર વાહનો, રણગાડીઓ અને શસ્ત્રસરંજામ સાથે યુક્રેનના પાટનગર કિવ તરફ જઈ રહ્યો છે.

રશિયન રૂબલ અને બિટકોઇનમાં ટ્રેડિંગનું વોલ્યુમ નવ મહિનાની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું છે. અમેરિકા સહિતના દેશોએ રશિયા પર લાદેલાં પ્રતિબંધોને કારણે રૂબલનું મૂલ્ય ઘણા મોટા પ્રમાણમાં ઘટી ગયું છે.

એક અહેવાલ મુજબ યુક્રેનના રહેવાસીઓએ ક્રીપ્ટોકરન્સીની ખરીદીમાં અભૂતપૂર્વ વધારો કરી દીધો છે. એમને ડર છે કે દેશની બૅન્કિંગ વ્યવસ્થા પડી ભાંગશે.

બુધવારે બિટકોઇન લગભગ 2 ટકા વધીને 44,140 ડૉલરની આસપાસ પહોંચ્યો હતો. ઈથેરિયમમાં ત્રણ ટકા વૃદ્ધિ સાથે ભાવ 2,989 ડૉલર થયો હતો.

દરમિયાન, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલા વિશ્વના સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15માં બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં ઇન્ટ્રાડે ધોરણે 2,653 પોઇન્ટનો ઉતારચડાવ થયા બાદ ઇન્ડેક્સ 2.92 ટકા (1,801 પોઇન્ટ) વધીને 63,302 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 61,501 ખૂલીને 64,093 સુધીની ઉંચી અને 61,440 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
61,501 પોઇન્ટ 64,093 પોઇન્ટ 61,440 પોઇન્ટ 63,302

પોઇન્ટ

ડેટાનો સમયઃ 2-3-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)