આઇસી15 ઇન્ડેક્સમાં 3.5 ટકાનો ઘટાડો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં બુધવારે સવારે થયેલો ઘટાડો પછીથી ઓછો થઈ ગયો હતો. અમેરિકામાં કંપનીઓનાં પરિણામો વિશે આશાવાદ વધતાં ઈક્વિટીમાં રોકાણનું વલણ ફરી જોવા મળ્યું છે. અમેરિકામાં સ્ટૉક ફ્યુચર્સમાં વૃદ્ધિ થઈ હતી. એસએન્ડપી 500 ઇન્ડેક્સમાં 0.9 ટકાનો તથા ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજમાં 1 ટકાનો વધારો થયો હતો.

ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં વધારો કરવા બાબતે અપનાવેલા વલણને કારણે રોકાણકારો વિશ્વમાં આર્થિક પ્રવૃત્તિઓ મંદ પડવાની ભીતિ સેવી રહ્યા છે.

સૌથી મોટી ક્રીપ્ટોકરન્સી – બિટકોઇનનો ભાવ પાછલા 24 કલાકમાં 3 ટકા કરતાં વધારે પ્રમાણમાં ઘટીને 39,000 ડોલરની નજીક પહોંચ્યો હતો. આની પહેલાં એમાં પાંચ ટકા કરતાં વધુનો ઘટાડો થયો હતો. ઈથેરિયમ પણ 3 ટકાના ઘટાડા સાથે 2,900 ડોલરની આસપાસ ચાલી રહ્યો છે.

અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 3.55 ટકા (2,133 પોઇન્ટ) ઘટીને 57,832 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 59,965 ખૂલીને 60,191 સુધીની ઉપલી અને 55,688 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
59,965 પોઇન્ટ 60,191 પોઇન્ટ 55,688 પોઇન્ટ 57,832 પોઇન્ટ

ડેટાનો સમયઃ 27-4-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)