આઇસી15 ઇન્ડેક્સ 676 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ અમેરિકન સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશને ક્રીપ્ટોકરન્સી એક્સચેન્જો અને ક્રીપ્ટો કંપનીઓ વિરુદ્ધ લીધેલાં પગલાં અને કર્વ ફાઇનાન્સમાં થયેલા હેકિંગની પાર્શ્વભૂમાં મંગળવારે ક્રીપ્ટો માર્કેટમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.73 ટકા (676 પોઇન્ટ) ઘટીને 38,413 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 39,089 ખૂલીને 39,147ની ઉપલી અને 38,216 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના બીએનબી સિવાયના તમામ કોઇન ઘટ્યા હતા, જેમાંથી સોલાના, લાઇટકોઇન, ડોઝકોઇન અને અવાલાંશમાં 2થી 5 ટકા સાથે ટોચના ઘટેલા કોઇન હતા.

દરમિયાન, બેન્ક ઓફ કોરિયા આવતા વર્ષે ઓફલાઇન પેમેન્ટ તથા ત્રણ શહેરોમાં જાહેર વિતરણ પ્રણાલીમાં સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સીનો ઉપયોગ કરવા માટેનો પ્રયોગ શરૂ કરવાની છે. બીજી બાજુ, ચીનના શાંઘાઈ શહેરમાં વર્ષ 2023થી 2025ના ગાળામાં બ્લોકચેઇનના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેની કાર્યયોજના જાહેર કરવામાં આવી છે. સરકારી સેવાઓ અને અર્થતંત્રમાં બ્લોકચેઇન ટેક્નોલોજીનો ઉપયોગ વધારવાનો એનો ઉદ્દેશ્ય છે.