નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે જારી રહેલા યુદ્ધનો સાતમો દિવસ છે. આ યુદ્ધે ભારત સહિત વિશ્વનાં બજારોને આંચકો આપ્યો છે. આ યુદ્ધને કારણે સરકારે લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC)નો IPOની યોજનાની સમીક્ષા કરવી પડે એવી સ્થિતિ ઊભી થઈ છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામને કહ્યું હતું કે સ્થિતિ જોતાં એ ઇસ્યુ માટે ફેરવિચારણા કરવી પડશે. LIC IPOની મૂડીબજારમાં લાવવાનો સમય આગળ વધારવામાં આવે એવી શક્યતા છે.
તેમણે કહ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષ 31 માર્ચે પૂરું થશે, ત્યાં સુધી સરકારનો કંપનીઓનો સરકારી હિસ્સો વેચવાનું લક્ષ્ય પૂરું કરવાનું દબાણને લીધે LIC IPOના લિસ્ટિંગનો સમયને કારણે નહીં બદલાય, પણ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધને કારણે સમયમાં ફેરવિચારણા કરવી પડશે.
ગયા સપ્તાહે કેન્દ્રીય કેબિનેટે LICમાં ઓટોમેટિક રૂટે 20 ટકા સીધા વિદેશી મૂડીરોકાણ (FDI)ની મંદૂરી આપી હતી. LIC એક્ટ 1956 હેઠળ LIC એક કોર્પોરેશન છે અને એમાં FDI નીતિમાં LICમાં વિદેશી મૂડીરોકાણ માટે કોઈ જોગવાઈ નહોતી, જેથી સરકારે એના માટે કાયદામાં સુધારો કર્યો છે. સરકારે LICના ઇશ્યુ 31.6 કરોડ શેરો અથવા પાંચ ટકા હિસ્સો વેચીને રૂ. 63,000 કરોડ ઊભા કરવા માટે ફેબ્રુઆરીમાં સેબી પાસે ડ્રાફ્ટ દાખલ કર્યા હતા. આ ઇસ્યુમાં પોલિસીહોલ્ડરો માટે 10 ટકા હિસ્સો અનામત રાખવામાં આવશે. આ ઇશ્યુ માર્ચમાં આવવાની શક્યતા છે. LICના ઇશ્યુમાં કર્મચારીઓ અને પોલિસીધારકોને ફ્લાર પ્રાઇસમાંથી ડિસ્કાઉન્ટ મળવાની વકી છે.