નવી દિલ્હીઃ આકરા નિયમોને કારણે અને ગ્રોથમાં નરમાઈને શક્યતા છતાં દેશનું સંગઠિત ગોલ્ડ લોન માર્કેટ આગામી પાંચ વર્ષમાં બમણું વધીને રૂ. 14.19 લાખ કરોડે પહોંચવાનો અંદાજ છે એમ PWC ઇન્ડિયાનો એક રિપોર્ટ કહે છે. આ ગોલ્ડ લોન બજાર આગામી પાંચ વર્ષમાં વાર્ષિક સરેરાશ 14.85 ટકા ચક્રવૃદ્ધિદર (CAGR)થી ગ્રોથ જોવા મળશે, વર્ષ 2023-24માં ગોલ્ડ લોન માર્કેટ 7.1 લાખ કરોડના મૂલ્યાંકને પહોંચ્યું હતું.
અહેવાલ અનુસાર ભારતીય પરિવારો પાસે જંગી સોનું છે, જે અંદાજે 25,000 ટન છે. ભારતીયો પાસે જે સોનું છે તેનું અંદાજિત મૂલ્ય રૂ. 126 લાખ કરોડ થાય છે. આગામી બે વર્ષ ગોલ્ડ લોન માર્કેટમાં સાધારણ ગ્રોથ જોવા મળશે, કારણ કે ગોલ્ડ પર ધિરાણ આપતી કંપનીઓ સામે લોન ટુ વેલ્યુ (LTV) મેઇનન્ટેઇન્સ સંબંધિત અને લિલામી સંબંધિત પ્રક્રિયાઓ અંગે હાલ નિયામકીય સ્ક્રુટિની વધી ગઈ છે.ગોલ્ડ લોન ક્ષેત્રે બીજા ક્રમની સૌથી મોટી કંપની પર અંકુશને કારણે નિષ્ક્રિય રહેવાથી ચાલુ વર્ષે ગોલ્ડ લોન માર્કેટના ગ્રોથને પર અસર પડશે. આ ઉપરાંત RBIએ એનબીએફસીને કેશ ડિસ્બર્સમેન્ટ માટે મહત્તમ મર્યાદા રૂ. 20,000 નક્કી કરી હોવાથી ગ્રાહકો બિનસંગઠિત ક્ષેત્ર તરફ વળે તેવી સંભાવના છે.
વળી, છેલ્લા એક વર્ષમાં સોનાના ભાવ ખાસ્સા વધી ગયા છે તે જોતાં કંપનીઓ ધિરાણ કરવામાં સાવચેતીનો અભિગમ અપનાવે તેવી સંભાવના છે, કારણ કે જો સોનાના ભાવમાં ઘટાડો થાય તો LTV રેશિયની મર્યાદા ચૂકી જાય તેવી સંભાવના રહે છે. આવા સંજોગોમાં લિલામી સહિતમાં ઓપરેશનલ સમસ્યા ઊભી થઈ શકે છે. પ્રાઈસવોટરહાઉસકૂપરના રિપોર્ટ અનુસાર બેન્કો અને NBFC બન્ને દ્વારા ગોલ્ડ લોન માર્કેટમાં ગ્રોથ જોવા મળશે તેમ જણાય છે.