નવી દિલ્હીઃ સોનાની ઘરેલુ માગ વધવાને કારણે એપ્રિલ-જુલાઈમાં સોનાની આયાતમાં વધારો થયો છે. તહેવારોની સીઝન પહેલાં ભારતીયોની સોનાની આયાતમાં નોંધપાત્ર વધારો થયો છે. એપ્રિલથી જુલાઈમાં ભારતમાં સોનાની આયાત વાર્ષિક તુલનાએ 6.4 ટકા વધીને 12.9 અબજ ડોલરે પહોંચી છે. જોકે પાછલા વર્ષે સમાન સમયગાળામાં ભારતમાં 12 અબજ ડોલરની મૂલ્યના સોનાની આયાત કરવામાં આવી હતી. સોનાની આયાતમાં વધારો ચાલુ ખાતાની ખાધ પર પ્રતિકૂળ પડે છે.
ક્રૂડ બાદ સોનું ભારતમાં સૌથી વધુ આયાત કરાતી કોમોડિટી છે અને તેની ઊંચી આયાતથી વેપાર ખાધ અને રાજકોષીય ખાધની ગંભીર સમસ્યા સર્જાય છે.વેપાર મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ જુલાઈમાં કીમતી ધાતુની આયાત 43.6 ટકા ઘટીને 2.4 અબજ ડોલર થઈ હતી. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિનામાં સોના અને ક્રૂડ ઓઇલની આયાતમાં વધારાથી દેશની વેપાર ખાધ 30 અબજ ડોલરની ઐતિહાસિક ઉંચી સપાટીએ પહોંચી છે, જે વર્ષ 2021માં એપ્રિલથી જુલાઈ દરમિયાન માત્ર 10.63 અબજ ડોલર હતી.
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિનામાં જેમ્સ અને જ્વેલરીની નિકાસ લગભગ સાત ટકા વધીને 13.5 અબજ ડોલર થઈ છે. 2021-22માં ઊંચી વેપાર ખાધને કારણે દેશની ચાલુ ખાતાની ખાધ કુલ જીડીપીના 1.2 ટકા સુધી વધી હતી જ્યારે નાણાકીય વર્ષ 2021માં 0.9 ટકાની વેપાર પુરાંતની સ્થિતિ જોવા મળી હતી.
વર્ષ 2022માં જાન્યુઆરીથી માર્ચ ત્રિમાસિકમાં ચાલુ ખાતાની ખાધ ઘટીને 13.4 અબજ ડોલર અથવા દેશની કુલ જીડીપીના 1.5 ટકા થઈ હતી, જે વર્ષ 2021ના ઓક્ટોબરથી ડિસેમ્બર ત્રિમાસિક 22.2 અબજ ડોલર અથવા જીડીપીના 2.6 ટકા હતી.