મુંબઈ વિદ્યાપીઠમાં રિસર્ચ એન્ડ ટીચિંગ ઇન ફાઇનાન્સનો પ્રારંભ

મુંબઈઃ મુંબઈ વિદ્યાપીઠની મુંબઈ સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પબ્લિક પોલિસીના ડો. એસ. એ. દવે સેન્ટર ફોર રિસર્ચ એન્ડ ટીચિંગ ઇન ફાઇનાન્સનો 22 ઓગસ્ટે પ્રારંભ થઈ રહ્યો છે. ડો. એસ. એ. દવેના મુખ્ય અતિથિપદે વિદ્યાપીઠના કાલિના કેમ્પસના ગ્રીન ટેક્નોલોજી ઓડિટોરિયમમાં સવારે 11.30 વાગ્યે યોજાનારા આ કાર્યક્રમમાં HDFCના ચેરમેન દીપક પારેખ ‘ભારતના નાણાકીય ક્ષેત્રે તાજેતરમાં આવેલાં પરિવર્તનો’ વિષય પર વક્તવ્ય આપશે.

આ પ્રસંગે વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર પ્રા. સુહાસ પેડણેકર પ્રમુખપદે તથા પ્રો-વાઇસ ચાન્સેલર પ્રા. રવીન્દ્ર કુલકર્ણી અતિથિવિશેષ પદે ઉપસ્થિત રહેશે.

અહીં ઉલ્લેખનીય છે કે વિદ્યાપીઠના ડિપાર્ટમેન્ટ ઓફ ઈકોનોમિક્સનું નવું નામ મુંબઈ સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પબ્લિક પૉલિસી છે. સેબીના અને યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ ચેરમેન ડો. એસ. એ. દવેએ ઉક્ત ડિપાર્ટમેન્ટનાં 100 વર્ષ પૂરાં થવા નિમિત્તે સેન્ટર ઇન ફાઇનાન્સની સ્થાપના માટે વ્યક્તિગત સ્તરે એન્ડોવમેન્ટ પ્રદાન કર્યું છે. આ સેન્ટરનું નામ ડો. એસ. એ. દવે સેન્ટર ફોર રિસર્ચ એન્ડ ટીચિંગ ઇન ફાઇનાન્સ રાખવામાં આવ્યું છે. ફાઇનાન્સ ક્ષેત્રે તાલીમ અને સંશોધન માટે આ સેન્ટરને મોભાનું સ્થાન અપાવવાની તેની પાછળની ભાવના છે.