મુંબઈઃ અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ (AAHL) મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (MIAL)માં કન્ટ્રોલિંગ હિસ્સો હસ્તગત કરશે. AAHL GVK એરપોર્ટ ડેવલપર્સના ઋણને હસ્તગત કરશે. અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નેતૃત્વમાં ગ્રુપે કહ્યું હતું કે કંપનીએ મુંબઈ એરપોર્ટમાં GVK ગ્રુપનો હિસ્સો ખરીદવા અને નિયંત્રણ હાંસલ કરવા માટે સમજૂતી કરાર કર્યા છે. અદાણી એન્ટપ્રાઇઝીસે શેરબજારોને મોકલેલી યાદીમાં કહ્યું છે કે અદાણી એરપોર્ટ્સ હોલ્ડિંગ્સે GVK એરપોર્ટ ડેવલપર્સના ઋણને હસ્તગત કરવા માટે કરાર કર્યા છે. કંપની આ સોદા દ્વારા 23.5 ટકા હિસ્સો હસ્તગત કરશે.
GVK ગ્રુપની પાસે મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ લિ.માં 50.50 ટકા હિસ્સો છે. ઋણને ઇક્વિટીમાં રૂપાંતર કરવામાં આવશે. આ યાદીમાં કહેવામાં આવ્યું છે કે અદાણી ગ્રુપ આ સોદામાં નાણાકીય ખુલાસો નથી કરવામાં આવ્યો. ગ્રુપ મુંબઈ એરપોર્ટ્સમાં એરપોર્ટસ કંપની ઓફ સાઉથ આફ્રિકા (ACSA) તથા બિડવેસ્ટના 23.5 ટકા હિસ્સાને હસ્તગત કરવા માટે આ પગલું લીધું છે.
કંપનીને CCIની મંજૂરી
આ હસ્તાતંરણ માટે કંપનીને કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (CCI)ની મંજૂરી મળી ચૂકી છે. GVKના 50.50 ટકા હિસ્સા સાથે મુંબઈ એરપોર્ટ્સમાં અદાણી ગ્રુપનો હિસ્સો વધીને 74 ટકા થશે. અદાણી ગ્રુપને હાલમાં છ એરપોર્ટસના સંચાલનનો કોન્ટ્રેક્ટ મળેલો છે. આમાં લખનૌ, જયપુર, ગૌહાટી, અમદાવાદ, તિરુવનંતપુરમ અને મેંગલોર સામેલ છે.