BSEના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ટર્નઓવર બે મહિનામાં ત્રણ ગણું વધ્યું

મુંબઈઃ BSEના ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં સતત ટર્નઓવર વધી રહ્યું છે, જુલાઈમાં સરેરાશ દૈનિક ટર્નઓવર રૂ.26,196 કરોડનું હતું તે ત્રણ ગણું વધીને એક લાખ કરોડ રૂપિયાથી પણ અધિકની સપાટી વટાવી ગયું છે, એમ BSEના આંકડાઓ પર નજર કરતાં જણાઈ આવે છે. સતત ટર્નઓવર વધતું રહ્યું છે એનાં ઘણાં કારણોમાંનું મુખ્ય એ છે કે એક્સચેન્જે 29 જૂન, 2020થી સેન્સેક્સ-30ના સોમવારે સમાપ્ત થતા વીકલી ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ લોન્ચ કર્યા છે, જેને સહભાગીઓનો અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડી રહ્યો છે. આ પ્રોડક્ટ એટલે સામાન્ય પ્રવાહથી ભિન્ન છે કે એ કોન્ટ્રેક્ટ ગુરુવારે સમાપ્ત થવાની સ્વીકાર્ય પ્રથાથી ભિન્ન છે, એમ BSEના ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટીલે કહ્યું હતું. બીજું કારણ આ કોન્ટ્રેક્ટ્સ માટે પહેલી જુલાઈ 2020થી શરૂ કરવામાં આવેલી લિક્વિડિટી એન્હેન્સમેન્ટ સ્કીમ છે, એમ કહી પાટીલે ઉમેર્યું હતું કે ડેઈલી ટર્નઓવર રૂ.1,14,263 કરોડની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું છે.

S&P BSE 50 ઈન્ડેક્સ ડેરિવેટિવ્ઝનું મૂલ્ય 12,000ની રેન્જમાં છે જે અન્ય મોટા ટ્રેડિંગ ઈન્ડેક્સની સમકક્ષ છે. આ ઈન્ડેક્સ લિસ્ટેડ કંપનીઓના આશરે 56 ટકા માર્કેટ કેપિટલાઈઝેશનને આવરી લે છે, જેથી સહભાગીઓ તેમના ઈક્વિટી રિસ્કનું વધુ સારી રીતે હેજિંગ કરી શકે છે. ઉપરાંત તેઓ સમાન ટ્રેડિંગ અને અલ્ગો સ્ટ્રેટેજી અપનાવી શકે છે. ગુરુવારને બદલે સાપ્તાહિક એક્સપાયરી સોમવારે હોવાથી તેઓ બજારમાંનાં સમાન પ્રોડક્ટ્સ માટેનો વેપાર ઓફ્ફસેટ કરી શકે છે.

સ્ટોક એક્સચેન્જીસનાં ક્લિયરિંગ કોર્પોરેશન્સની ઈન્ટરઓપરેબિલિટી અને ક્રોસ માર્જિન ફ્રેમવર્કને પગલે સતત ટ્રેડિંગ થઈ શકે છે અને કોલેટરલ જ્યાં હોય એ સિવાયના વેન્યુ પર પણ ટ્રેડિંગ થઈ શકે છે.

અત્યારે BSEના ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં નિઃશુલ્લક ટ્રેડિંગ થઈ શકે છે. સાથે સાથે સહભાગીઓને શ્રેષ્ઠ ટ્રેડિંગ માળખું, કો-લોકેશ સર્વિસીસ, લીઝ-લાઈન અને ફ્રંટ-એન્ડ સોફ્ટવેર આદિ સુવિધાઓ ઉપલબ્ધ થાય છે. આમ ખર્ચમાં ખાસ્સી બચત થાય છે. BSE રોજ રૂ.10 કરોડ સુધીના ઈક્વિટી એક્સપોઝરને હેજ કરવા માટેના ઈન્ડેક્સ ઓપ્શન ટ્રેડિંગ પર કોઈ ચાર્જ વસૂલતું નથી તેથી અન્ય એક્સચેન્જની તુલનાએ મેમ્બરને ખર્ચમાં રૂ.1.20 લાખની બચત થાય છે, એમ તેમણે જણાવ્યું હતું.