મુંબઈઃ રિલાયન્સ જિયો ઇન્ફોકોમે ગઈ કાલે પાંચ પોસ્ટપેઇડ ટેરિફ પ્લાન રજૂ કર્યા એ પછી હવે પોસ્ટપેઇડ સેગમેન્ટમાં પણ ટેરિફ વોર શરૂ થવાના અણસાર છે. રિલાયન્સ જિયોએ પોસ્ટપેઇડ પ્લાન રજૂ કર્યા પછી ટેલિકોમ શેરોમાં સવારથી વેચવાલીનું દબાણ જોવા મળ્યું છે. જેથી એસ એન્ડ પી બીએસઈ ટેલિકોમ ઇન્ડેક્સ ઇન્ટ્રા-ડેમાં સાત ટકાથી વધુ તૂટ્યો હતો. ઇન્ડેક્સ 7.36 ટકા ઘટીને 1048.42ના મથાળે બંધ આવ્યો હતો. એરટેલ અને ભારતી ઇન્ફ્રાટેલ પણ સાત ટકાથી વધુ તૂટ્યા હતા. ભારતી એરટેલ 8.09 ટકા તૂટીને 432.95 રૂપિયા બંધ રહ્યો હતો, આ શેરમાં 17,82,532 શેરોનું વોલ્યુમ હતું, જેમાં છેલ્લા પાંચ દિવસનું સરેરાશ 7,55,399 શેરોનું હતું, જેમાં 135.97 ટકાનો ઉછાળો આવ્યો હતો. જ્યારે ઇન્ફ્રાટેલ 7.90 ટકા ઘટીને 166.05 રૂપિયા બંધ આવ્યો હતો.
વોડાફોન આઇડિયા 11.02 ટકા ઘટીને 9.12ના મથાળે બંધ રહ્યો હતો, જેમાં છેલ્લા પાંચ દિવસનું સરેરાશ વોલ્યુમં 53,710660 શેરોનું રહ્યું હતું. આ શેરના વોલ્યુમમાં 13.92 ટકાનો વધારો થયો હતો. ભારતી ઇન્ફ્રાટેલ દિવસ દરમ્યાન 164.60 રૂપિયાના લો બનાવીને 8.57 ટકા ઘટીને 164.85 રૂપિયા બંધ આવ્યો હતો.
NSE પર સૌથી વધુ સક્રિય શેરોમાં ભારતી એરટેલમાં 5,94,53,689 શેરોનાં કામકાજ થયાં હતાં, જ્યારે વોડાફોનમાં 42,19,86,944 શેરોનાં કામકાજ થયાં હતા.
રિલાયન્સ જિયોએ જિયો પોસ્ટપેઇડ નામથી નવા પોસ્ટપેઇડ પ્લાન રજૂ કર્યા છે, જે OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ, ડિઝની + હોટસ્ટાર અને નેટફ્લિક્સના મફત સબસ્ક્રિપ્શન અને અન્ય લાભો સાથે ઓફર કર્યા છે. કંપનીએ 399 રૂપિયાથી માંડીને 1499 રૂપિયાની વચ્ચે ટેરિફની સાથેના જિયો પોસ્ટપેઇડ પ્લાન ઓફર કર્યા છે, જે 24 સપ્ટેમ્બરથી જિયો સ્ટોર્સ અને હોમ ડિલિવરીના માધ્યમથી ઉપલબ્ધ થશે, વળી આમાં એક્ટિવેશન પણ ફ્રી છે.
ભારતી ઇન્ફ્રાટેલના ચેરમેન અખિલ ગુપ્તાએ કહ્યું હતું કે કામચલાઉ રીતે ફ્લોર પ્રાઇઝ નિર્ધારિત કરવાથી ઉદ્યોગની નાણાકીય સ્થિતિને જાળવી રાખવા માટે મદદ મળે છે, વળી આગામી ત્રણથી ચાર વર્ષ માટે એક કમસે કમ કિંમતો નિર્ધારિત હોવી જોઈએ. જેમ-જેમ પરિસ્થિતિ સામાન્ય થતી જાય એને બંધ કરવામાં આવવી જોઈએ.