મુંબઈઃ વૈશ્વિક સ્ટીલ બજારોની કિંમતમાં સ્ટીલની કિંમતમાં વધારો થતાં અને યુરોપિયન વેપારમાં કામગીરીમાં સુધારો થતાં ચાલુ નાણાકીય વર્ષના 30 જૂને પૂરા થયેલા પહેલા ત્રિમાસિક ગાળામાં તાતા સ્ટીલ રેકોર્ડ ચોખ્ખો નફો નોંધાવ્યો છે. કંપનીએ જૂન ત્રિમાસિક ગાળામાં રૂ. 9768 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જે ગયા વર્ષના સમાન ગાળામાં કંપનીએ રૂ. 4609 કરોડની ચોખ્ખી ખોટ નોંધાવી હતી. કંપનીનો નફો નાણાકીય વર્ષ 21ના સંપૂર્ણ વર્ષના નફા કરતાં વધુ હતો. વાર્ષિક ધોરણે કંપનીનું ચોખ્ખું વેચાણ બમણું થઈને રૂ. 53,372 કરોડ રહ્યું હતું, જે એનાલિસ્ટના અંદાજ કરતાં વધુ હતું. જોકે દેશમાં લોકડાઉનને લીધે સ્ટીલની ડિલિવરીને ગંભીર અસર થઈ હતી, જે વાર્ષિક ધોરણે 33 ટકા વધીને 7.11 મિલિયન ટન રહી હતી.
કંપનીના CEO અને MD ટીવી નરેન્દ્રને કહ્યું હતું કે કે છેલ્લા 15 મહિનાઓમાં નીતિના સપોર્ટને કારણે અને રસીકરણ કાર્યક્રમને લીધે વૈશ્વિક અર્થતંત્રમાં સુધારો થયો હતો, જેને કારણે વેપાર અને ગ્રાહકોના વિશ્વાસમાં સુધારો થયો હતો. કંપની પાસે રૂ. 8272 કરોડની વર્કિંગ કેપિટલ વપરાયા પછી રૂ. 3553 કરોડ રહી હતી.
વૈશ્વિક બજારમાં સ્ટીલની કિંમતોને કારણે કંપનીનો EBITDA વધીને રૂ. 16,185 થયો હતો, જ્યારે EBITDA માર્જિન વધીને 30.3 ટકા થયું હતું. કંપનીએ રૂ. 5894 કરોડની ચુકવણી પછી કંપનીનાં ગ્રોસ દેવાં ઘટીને રૂ. 84,237 કરોડ રહ્યાં છે. વળી, કંપનીનાં ચોખ્ખા દેવાં ઘટીને રૂ. 73,973 કરોડ હતાં.
