નવી દિલ્હીઃ પ્રાદેશિક ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવવા ટાટા પાવર કંપની લિમિટેડે ભૂતાનની એકમાત્ર જનરેશન યુટિલિટી ડ્રક હોલ્ડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડની પેટા કંપની ડ્રક ગ્રીન પાવર કોર્પોરેશન લિમિટેડ (DGPC) સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી છે. આ ભાગીદારી હેઠળ ભૂતાનમાં કમસે કમ 5000 મેગાવોટ સ્વચ્છ ઊર્જા ઉત્પાદન ક્ષમતા માટે સહયોગ કરવામાં આવશે અને વિકસાવવામાં આવશે.
ટાટા પાવરના MD અને CEO ડો. પ્રવીર સિંહા અને DGPCના MD દાશો છેવાંગ રિનઝિને એક MoU પર હસ્તાક્ષર કર્યા હતા. આ પ્રસંગે ભૂતાનના PM દાશો ત્શેરિંગ તોગ્બે અને ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન ભૂતાનમાં થિમ્પુમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ ભાગીદારી ભૂતાનની તેની ઊર્જા સુરક્ષા તથા પ્રાદેશિક ઊર્જા સંકલન માટે તેની એકંદરે ઉત્પાદન ક્ષમતાને વર્ષ 2040 સુધીમાં 25,000 મેગાવોટ સુધી લઈ જવાના તેના ઊર્જા ક્ષેત્ર માટેના વિઝનને અનુરૂપ છે.
આ એશિયાના સ્વચ્છ ઊર્જા ક્ષેત્રમાં બે દેશોની બે અગ્રણી વીજ કંપનીઓ વચ્ચેની સૌથી મોટી ભાગીદારી છે. DGPCના MD દાશો છેવાંગ રિનઝિન અને ટાટા પાવરના CEO અને MD ડો. પ્રવીર સિંહા વચ્ચે ભૂતાનમાં થિમ્ફુમાં સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભૂતાનના PM દાશો ત્શેરિંગ તોગ્બે, ઊર્જા અને કુદરતી સંસાધનોના પ્રધાન લ્યોંપો જેમ ત્શેરિંગ, ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન, ભારતના ભૂતાનના રાજદૂત સુધાંકર દલેતા અને રોયલ ગવર્નમેન્ટ ઓફ ભૂતાન, ભારતીય દૂતાવાસ, DGPC અને ટાટા પાવરના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સહયોગ થકી 1125 મેગાવોટ દોરજીલુંગ એચઈપી, 740 મેગાવોટ ગોંગરી જળાશય, 1800 મેગાવોટ જેરી પમ્પ્ડ સ્ટોરેજ અને 364 મેગાવોટ ચમખારછુ 4ને સમાવતા 4500 મેગાવોટ હાઇડ્રોપાવર સહિતના કમસે કમ 5,000 મેગાવોટ રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સને તબક્કાવાર વિકસાવવામાં આવશે. અન્ય 500 મેગાવોટના સોલર પ્રોજેક્ટ્સ ટાટા પાવરની પેટા કંપની ટાટા પાવર રિન્યુએબલ એનર્જી લિમિટેડ (TPREL) દ્વારા વિકસાવવામાં આવશે.
કંપનીના CEO અને MD ડો. પ્રવીર સિંહાએ જણાવ્યું હતું કે દ્રુક ગ્રીન પાવર કોર્પોરેશન સાથેની ટાટા પાવરની ભાગીદારી પ્રદેશમાં સૌથી પસંદગીની સ્વચ્છ ઊર્જા ભાગીદારી તરીકે અમારી શાખનો પુનરોચ્ચાર કરે છે. અમે સાથે મળીને 5000 મેગાવોટ સ્વચ્છ ઊર્જા ક્ષમતા વિકસાવી રહ્યા છીએ જેનાથી ભૂતાનની હાઇડ્રોપાવર સંભાવનાઓનો લાભ લેવામાં મદદ મળશે અને વિશ્વસનીય તથા સતત સ્વચ્છ ઊર્જા પુરવઠા સાથે બંને દેશોની વધતી ઊર્જાની માગને ટેકો મળશે. અમે સાથે મળીને નવી ઊર્જાના યુગને ઓપ આપી રહ્યા છીએ.
DGPCના MD દાશો છેવાંગ રિનઝિને જણાવ્યું હતું કે ટાટા પાવર સાથેની આ વ્યૂહાત્મક ભાગીદારી તેના આર્થિક વિકાસ તથા લાંબા ગાળાની ઊર્જા સુરક્ષા માટે તેના પ્રચંડ પુનઃવપરાશી ઊર્જા સંસાધનોનો લાભ લેવાની પ્રક્રિયા ઝડપી બનાવીને ભૂતાનના લોકોને મહત્તમ લાભ પૂરા પાડવાની ભૂતાનની આકાંક્ષાઓને અનુરૂપ છે. ભૂતાન આ અપેક્ષાઓ પર ખરા Tતરવા માટે આ ભાગીદારીમાં અને ટાટા પાવર પર ગાઢ વિશ્વાસ મૂકે છે.