મુંબઈઃ ટાટા ગ્રુપની કંપની ટાટા રિયાલ્ટી એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (TRIL) આવતા બે-ત્રણ વર્ષમાં દેશમાં રૂ. 16,000 કરોડના વોલ્યૂમ સાથે રહેણાંક પ્રોજેક્ટો શરૂ કરવાની છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મજબૂત ગ્રાહક ડિમાન્ડ ઊભી થઈ છે અને તેનો લાભ લેવા માટે કંપની આવતા બે-ત્રણ વર્ષમાં રૂ. 16,000 કરોડની અંદાજિત રેવેન્યૂ સાથે કુલ મળીને એક કરોડ સ્ક્વેર ફીટની નિવાસી યોજનાઓ શરૂ કરશે.
(તસવીર સૌજન્યઃ ટાટા હાઉસિંગ.કોમ)
ઉલ્લેખનીય છે કે ભારતની હાઉસિંગ માર્કેટમાં જોરદાર તેજીની સંભાવના સાથે તેનો લાભ લેવા માટે ટાટા ગ્રુપની કંપની ખૂબ આશાવાદી છે. તેથી દેશના અનેક શહેરોમાં તે હાઉસિંગ પ્રોજેક્ટ શરૂ કરવાની છે. TRIL ટાટા સન્સની પેટાકંપની છે અને ટાટા હાઉસિંગ તેનો જ એક હિસ્સો છે. કંપનીના મોટા ભાગના નવા પ્રોજેક્ટો દિલ્હી-એનસીઆર, મુંબઈ મેટ્રોપોલિટન રીજન (એમએમઆર) અને બેંગલુરુમાં હશે. જોકે દેશના અન્ય શહેરોમાં પણ તે પ્રોજેક્ટો લોન્ચ કરશે. ટાપુરાષ્ટ્ર માલદીવના પાટનગર માલેમાં પણ તે એક પ્રોજેક્ટ શરૂ કરવાની છે. કંપની તેના પ્રોજેક્ટો અંતર્ગત પ્લોટ, વિલા અને એપાર્ટમેન્ટ લોન્ચ કરશે.