રિઝર્વ બેન્કના રાહત પેકેજથી સેન્સેક્સ-નિફ્ટી ગેલમાં

અમદાવાદઃ સપ્તાહના અંતિમ દિવસે સ્થાનિક શેરબજારોમાં લાલચોળ તેજી થઈ હતી. રિઝર્વ બેન્કના રાહત પેકેજથી બેન્કિંગ અને નાણાકીય શેરોમાં ભારે લેવાલીથી આગઝરતી તેજી થઈ હતી. ઓટો શેરોમાં પણ ભારે તેજી થઈ હતી. રોકાણકારોની સંપત્તિમાં આશરે રૂ. 3.5 લાખ કરોડનો વધારો થયો હતો. બજારની અપેક્ષા છે કે અર્થતંત્રમાં પ્રાણ ફૂંકવા માટે હજી વધુ મોટા એલાન થવાની શક્યતા છે વૈશ્વિક બજારોની તેજીની પણ હકારાત્મક અસર પડી હતી. જેથી બજાર આજે એક મહિનાના ઉપલા સ્તરે બંધ થયું હતું.

સેન્સેક્સ અને નિફ્ટીએ આશરે 3.5 ટકાની છલાંગ

સેન્સેક્સ અને નિફ્ટીએ આશરે 3.5 ટકાની છલાંગ લગાવી હતી. સેન્સેક્સ 986 પોઇન્ટ 31,589એ બંધ થયો હતો અને નિફ્ટી ઇન્ડેક્સ 274 પોઇન્ટ ઊછળીને 9,267ના મથાળે બંધ રહ્યો હતો. બેન્ક નિફ્ટી પણ 1,281 પોઇન્ટ વધીને 20,681ના સ્તરે બંધ થયો હતો. બેન્ક નિફ્ટીના 12 શેરોમાં તેજી થઈ હતી. જ્યારે મિડકેપ 286 પોઇન્ટ વધીને 13,047ના મથાળે બંધ રહ્યો હતો. સ્મોલ કેપ ઇન્ડેક્સ પણ અઢી ટકા તેજી સાથે બંધ થયો હતો. રિઝર્વ બેન્કે કોવિડ-19થી દેશના અર્થતંત્રને બચાવવા માટે કેટલીક મોટી જાહેરાતો કરી હતી. જેમાં એનબીએફસી અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓને રાહત આપવા સિવાય સિસ્ટમમાં લિક્વિડિટી વધારવાની નાણાકીય સ્થિતિ મજબૂત કરવાના ઉપાય પણ સામેલ છે. રિઝર્વ બેન્કે રિવર્સ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો. જેથી બેન્કો હવે નાના-મોટા ઉદ્યોગોને વધુ સરળતાથી લોન આપી શકશે. કંપનીઓ વિસ્તરણ કરી શકશે, જેથી જોબ માર્કેટમાં તેજી આવશે.

સેન્સેક્સમાં સમાવિષ્ટ 30 શેરોમાંથી 23 શેરોમાં તેજી થઈ હતી અને નિફ્ટીના 50 શેરોમાંથી 38 શેરોમાં ભારે લેવાલીથી તેજી થઈ હતી.

સપ્તાહમાં સેન્સેક્સ દોઢ ટકો અને નિફ્ટી 1.9 ટકા વધ્યા

આ સપ્તાહમાં સેન્સેક્સ દોઢ ટકો અને નિફ્ટીમાં 1.9 ટકા તેજી સાથે બંધ રહ્યા હતા, જ્યારે બેન્ક નિફ્ટી 4.4 ટકા અને મિડકેપ શેરોમાં 3.9 ટકાની તેજી થઈ હતી.

કંપની ત્રિમાસિક પરિણામોની મોસમ

આગામી સપ્તાહે કેટલીય અગ્રણી બેન્કો અને હેવી વેઇટ કંપનીઓનાં પરિણામો આવવાનાં છે. જેથી આસપ્તાહે આઇસીઆઇસીઆઇ બેન્કર 15 ટકા, એક્સિસ બેન્ક 16 ટકા અને ઇન્ડસઇન્ડ બેન્કમાં 17 ટકાની તેજી થઈ હતી. આ ઉપરાંત સિપ્લામાં 18 ટકા, શ્રી સિમેન્ટમાં 19 ટકાની તેજી થઈ હતી.