અમદાવાદઃ સપ્તાહના પ્રારંભે ઘરેલુ શેરબજારોમાં તેજીની આગેકૂચ થઈ હતી. સેન્સેક્સ અને નિફ્ટી નવી ઓલટાઇમ ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. સેન્સેક્સ હવે 85,000ની અને નિફ્ટી 26,000ની સપાટી કુદાવવાની નજીક છે. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ સતત બીજા દિવસે તેજી સાથે બંધ થયો હતો. એ ઇન્ડેક્સ 60,700ના રેકોર્ડ ઊંચા સ્તરે બંધ થયો હતો. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 4.29 લાખ કરોડનો વધારો થયો હતો.
અમેરિકી વ્યાજદરમાં કાપ, એશિયન બજારોમાં તેજી અને વિદેશ ફંડોની લેવાલીએ શેરોમાં સતત ત્રીજા દિવસે તેજી આગળ વધી હતી. સેક્ટોરિયલ આધારે જોઈએ તો ઓટો, રિયલ્ટી અને PSU સેક્ટરોમાં તેજી થઈ હતી. PSU બેન્કોમાં ચાર ટકાની તેજી થઈ હતી.
BSE સેન્સેક્સ 384 પોઇન્ટ ઊછળી 84,928.6ની સર્વોચ્ચ સપાટીએ બંધ આવ્યો હતો, જ્યારે નિફ્ટી 148.10 પોઇન્ટ ઊછળી 25,939.05ની રેકોર્ડ ઊંચાઈ બંધ આવ્યો હતો. નિફ્ટી બેન્ક 54,106ના સ્તરે પહોંચ્યો હતો. NSE પર ઉપલબ્ધ કામચલાઉ ડેટા અનુસાર FIIએ શુક્રવારે ચોખ્ખા લેવાલ રહ્યા હતા. તેમણે રૂ. 14,065.05 કરોડના શેર ખરીદ્યા હતા, જ્યારે DIIએ ચોખ્ખા વેચવાલ રહ્યા હતા. તેમણે રૂ. 4427.08 કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી. BSE એક્સચેન્જ પર કુલ 4233 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 2387 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 1725 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 121 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 345 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 275 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.