મે સિરીઝની એક્સપાયરીના દિવસે સેન્સેક્સ 617 પોઇન્ટ તૂટ્યો

અમદાવાદઃ મે સિરીઝના એક્સપાયરી દિવસે ઘરેલુ શેરબજારમાં નફારૂપી વેચવાલી થઈ હતી. બજારમાં સતત પાંચમા દિવસે વેચવાલી થઈ હતી. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. રોકાણકારો હાલ લોકસભા ચૂંટણીનાં પરિણામો પહેલાં સાવચેતી રૂપે શેરોમાં પ્રોફિટ બુકિંગ કરી રહ્યા છે અને તેઓ લોન્ગ પોઝિશન લેવામાંથી બચી રહ્યા છે. દેશમાં સામાન્ય ચૂંટણીનાં પરિણામો ચોથી જૂને જાહેર થશે.

ઘરેલુ બજારમાં સાર્વત્રિક વેચવાલીએ સેન્સેક્સ 617 પોઇન્ટ અને નિફ્ટી 22,500ની નીચે સરક્યો હતો. જેથી રોકાણકારોની સંપત્તિમાં આશરે રૂ. 3.88 લાખ કરોડનો ઘટાડો થયો હતો. સૌથી વધુ ઘટાડો મેટલ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને IT શેરોમાં થયો હતો.

બજારમાં ટ્રેડિંગ સેશનને અંતે BSE સેન્સેક્સ 617.30 પોઇન્ટ તૂટી 73,885.60ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ 216.05 પોઇન્ટ તૂટીને 22,488.65ના મથાળે બંધ રહ્યો હતો. નિફ્ટી બેન્ક 181 પોઇન્ટ તૂટીને 48,682ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી મિડકેપ 699 પોઇન્ટ તૂટીને 51,427ના સ્તરે બંધ થયો હતો.છેલ્લા સાત મહિનામાં પહેલી વાર સેન્સેક્સ અને નિફ્ટી સતત પાંચ દિવસ ઘટ્યા હતા. સેન્સેક્સ અને નિફ્ટીની સાથે મિડકેપ ઇન્ડેક્સ પણ આશરે એક ટકો ઘટીને બંધ થયા હતા.

BSE પર કુલ 3917 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 1208 શેરોમાં તેજી થઈ હતી અને 2601 શેરોમાં નરમ બંધ રહ્યા હતા, જ્યારે 108 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 126 શેરોએ નવા 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 55 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટી તોડી હતી.