અમદાવાદઃ ગવર્નર શક્તિકાંત દાસના નેતૃત્વમાં રિઝર્વ બેન્કની ધિરાણ નીતિની સમિતિ દ્વારા સતત નવમી વાર રેપો રેટને 6.5 ટકા યથાવત રાખવાના નિર્ણયથી ઘરેલુ શેરબજારોમાં વેચવાલી ફરી વળી હતી. જેથી વીકલી એક્સપાયરીના દિવસે સેન્સેક્સ અને નિફ્ટી 50 ઘટાડા સાથે બંધ થયા હતા. રોકાણકારોના 2.79 લાખ કરોડ ડૂબ્યા હતા.
સ્થાનિક બજારમાં રિઝર્વ બેન્કની ધિરાણ નીતિના નિર્ણય પછી બેન્કિંગ, ફાઇનાન્સ, ઓટો અને રિયલ એસ્ટેટ શેરોમાં ઇન્ટ્રા-ડેમાં બજારના અંતે સુધારો જોવા મળ્યો હતો. સૌથી વધુ સુધારો બેન્કિંગ શેરોમાં જોવા મળ્યો હતો. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 581.79 પોઇન્ટ તૂટીને 78,886.22ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી50 ઇન્ડેક્સ 180.50 પોઇન્ટ તૂટીને 24,117ના સ્તરે બંધ થયો હતો.નિફ્ટીના 50માંથી 37 શેરો ઘટીને બંધ રહ્યા હતા.
નિફ્ટી બેન્ક ઇન્ડેક્સ 50,440.75ની સપાટીથી ઘટીને 50,015ની સપાટીએ પહોંચ્યો હતો, પણ એ ત્યાંથી રિકવર થઈને ટ્રેડિંગ સેશનને અંતે 50,156.70ના મથાળે બંધ રહ્યો હતો. બેન્ક નિફ્ટીએ છેલ્લા એક મહિનામાં મિશ્ર રિટર્ન આપ્યું છે.
બજારમાં GSTના દરોમાં કાપના અહેવાલો પછી ઇન્શ્યોરન્સ ક્ષેત્રના શેરોમાં તેજી થઈ હતી. જોકે મેટલ શેરોમાં વેચવાલીનું દબાણ હતું. નિફ્ટી મેટલ બે ટકા તૂટ્યો હતો.
BSE એક્સચેન્જ પર કુલ 4014 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 1831 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 2081 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 102 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 235 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 25 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટે પહોંચ્યા હતા.