સેન્સેક્સ 981 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટીએ 18,000ની સપાટી તોડી

અમદાવાદઃ ઘરેલુ શેરબજારો સતત ચોથા ટ્રેડિંગ સેશનમાં ઘટીને બંધ થયાં હતા. કોરોનાથી જોડાયેલા નવા ડેવલપમેન્ટ્સ, અમેરિકી અર્થતંત્રથી જોડાયેલા આંકડા અને વૈશ્વિક બજારોમાં વેચવાલીને કારણે BSE સેન્સેક્સ 60,000 નીચે સરક્યો હતો અને નિફ્ટી પણ 18,000 પોઇન્ટના મનોવૈજ્ઞાનિક સ્તરની નીચે બંધ આવ્યો હતો. રોકાણકારોએ છેલ્લા સાત દિવસમાં રૂ. 16 લાખ કરોડ ગુમાવ્યા હતા.

મંદીવાળાઓની શેરબજાર પર પકડ મજબૂત થઈ હતી. બંને મુખ્ય ઇન્ડેક્સ 1.7 ટકાથી વધુ ઘટાડાની સાથે બંધ રહ્યા હતા. વળી, વિશ્વના દેશોમાં કોરોનાના વધતા કેસો, વૈશ્વિક સેન્ટ્રલ બેન્કો દ્વારા વ્યાજદરોમાં વધારાના સંકેત અને વિકસિત દેશોમાં મંદીની આશંકાને લીધે શેરબજારોમાં વેચવાલીનાં ઘોડાપૂર આવ્યાં હતાં. જેથી BSE સેન્સેક્સ 980.93 પોઇન્ટ તૂટીને 59,845.29ની સપાટીએ અને નિફ્ટી 50 320.55 પોઇન્ટ તૂટીને 17,806.80ની સપાટીએ બંધ રહ્યા હતા.બંને ઇન્ડેક્સના સેક્ટોરલ ઇન્ડાઇસિસના ઘટીને બંધ રહ્યા હતા. નિફ્ટી PSU સૌથી વધુ 6.06 ટકા તૂટ્યો હતો. BSE મિડકેપ ઇન્ડેક્સ 3.4 ટકા તૂટ્યો હતો, જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ ચાર ટકા તૂટ્યો હતો. નિફ્ટી મેટલ ચાર ટકા, નિફ્ટી બેન્ક 1.5 ટકા, ઓટો ઇન્ડેક્સ 2.5 ટકા અને રિયલ્ટી ઇન્ડેક્સ ત્રણ ટકા તૂટ્યા હતા.

રોકાણકારોએ સાત ટ્રેડિંગ સેશનમાં રૂ. 16 લાખ કરોડ ગુમાવ્યા

છેલ્લાં સાત ટ્રેડિંગ સેશનમાં બજારમાં રોકાણકારોએ રૂ. 16 લાખ કરોડથી વધુ ગુમાવ્યા છે. 14 ડિસેમ્બરે BSE પર લિસ્ટેડ કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 291.25 લાખ કરોડ હતું, જે હવે ઘટીને રૂ. 275 લાખ કરોડની આસપાસ આવી ચૂક્યું છે. આમ બજારમાં સાત ટ્રેડિંગ સેશનમાં આશરે રૂ. 16 લાખ કરોડનો ઘટાડો થયો છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]