અમદાવાદ– શેરબજારમાં સામાન્ય સુધારા પછી આજે નરમાઈ રહી હતી. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ધીરાણ નીતિ બુધવારે જાહેર થશે અને ગ્લોબલ માર્કેટના નેગેટિવ ન્યૂઝ પાછળ તેજીવાળા ખેલાડીઓની વેચવાલી આવી હતી. બીજી તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોણ જીતશે કે કોણ હારશે, તે પ્રશ્ન છે, પણ સર્વે મુજબ ભાજપને માત્ર 95 બેઠકો દર્શાવી છે. આથી શેરબજારમાં નવા વિશ્વાસનો અભાવ હતો. દરેક ઊંચા મથાળે વેચવાલી ફરી વળી હતી. પરિણામે ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 67.28(0.20 ટકા) ઘટી 32,802.44 બંધ રહ્યો હતો. અને નિફટી 9.50(0.09 ટકા) ઘટી 10,118.25 બંધ થયો હતો.બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પણ માઈનસ હતા. તેમજ મોંઘવારી દર વધીને આવ્યો હોવાથી આરબીઆઈ ધીરાણ નિતીની સમીક્ષામાં વ્યાજ દરમાં કોઈ ઘટાડો નહી કરે. જે ધારણાએ શેરોમાં વેચવાલી આવી હતી. આજે ઓટોમોબાઈલ, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા અને રિયલ્ટી સેકટરના શેરોમાં વેચવાલીથી નરમાઈ રહી હતી. જો કે બેંક, ફાઈનાન્સ સર્વિસ, મિડિયા, ઓઈલ એન્ડ ગેસ સેકટરના શેરોમાં નીચા મથાળે નવી લેવાલીથી બજારને સામાન્ય ટેકો મળ્યો હતો.
- ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને અનિશ્રિતતા છે. સર્વેમાં ભાજપને 182 બેઠકોમાંથી 95 બેઠકો મળશે તેમ જણાવ્યું છે, આમ પરિણામની અનિશ્રિતતાને પગલે આગામી દિવસો દરમ્યાન માર્કેટ બે તરફી વધઘટમાં અથડાશે
- આજથી આરબીઆઈની ધીરાણ નિતીની બે દિવસીય બેઠક શરૂ થઈ છે, કાલે ધીરાણ નિતીની સમીક્ષા જાહેર થશે.
- આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી ફિચે ભારતના જીડીપી ગ્રોથના અનુમાનમાં ઘટાડો કર્યો છે. જેની માર્કેટના સેન્ટિમેન્ટ પર નેગેટિવ અસર પડી છે.
- નિફટી ફીફટીમાં 33 સ્ટોકના ભાવ ગગડ્યા હતા, અને 17 સ્ટોક પ્લસ બંધ રહ્યા હતા.
- સોમવારે એફઆઈઆઈએ રૂપિયા 333 કરોડના શેરનું ચોખ્ખુ વેચાણ કર્યું હતું, જ્યારે સ્થાનિક નાણા સંસ્થાઓએ રૂપિયા 776 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી.
- આજે નરમ બજારમાં બેંક, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ સેકટરના શેરોમાં ટેકારૂપી લેવાલીથી સુધારો આવ્યો હતો.
- રોકડાના શેરોમાં મિશ્ર વાતાવરણ જોવા મળ્યું હતું. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 69.47 પ્લસ બંધ હતો.
- બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 5.66 માઈનસ બંધ હતો.