અમદાવાદઃ નિફ્ટી એક્સપાયરીના દિવસે સતત બીજા દિવસે તેજી સાથે બંધ થયું હતું. લોકસભા ચૂંટણીનાં પરિણામો પછી બજારમાં ગભરાટ શમી રહ્યો છે. જેથી સેન્સેક્સ 75,000ના સ્તરને પાર થયો હતો. BSEના સેક્ટોરિયલ ઇન્ડેક્સ સતત બીજા દિવસે તેજી સાથે બંધ થયા હતા. મિડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ ક્રમશઃ 2.28 ટકા અને સ્મોલકપ ઇન્ડેક્સ 3.06 ટકા વધ્યા હતા.
લોકસભા ચૂંટણીનાં પરિણામોમાં લાગેલા આંચકા પછી ફરી એક વાર વડા પ્રધાન મોદીની આગેવાની હેઠળ NDA સરકાર બનવાના અહેવાલોએ રોકાણકારોનો ગભરાટ થોડો ઓછો થયો હતો, જેથી રોકાણકારોએ શેરોમાં લેવાલી કાઢી હતી. બજાર વિશ્લેષકોએ પણ જણાવ્યું હતું કે ફરી મોદી સરકાર આવતાં આર્થિક સુધારાને વેગ મળવાના આશાવાદે બજારમાં તેજી થઈ હતી. આ ઉપરાંત રિઝર્વ બેન્ક આવતી કાલે ધિરાણ નીતિની સમીક્ષા સંદર્ભે વ્યાજદરની નીતિ જાહેર કરશે. આ સાથે દેશમાં સારા ચોમાસાની અપેક્ષાએ પણ રોકાણકારોએ શેરોમાં તેજી કરી હતી.
નિફ્ટી ઇન્ટ્રા-ડેમાં 22,800ના સ્તરે પરત ફર્યો હતો. BSE પર લિસ્ટેડ કંપનોના કુલ માર્કેટ કેપમાં આજે રૂ. 8.26 લાખ કરોડનો વધારો થયો હતો, જે પછી માર્કેટ કેપ રૂ. 416 લાખ કરોડે પહોંચ્યું હતું. BSE સેન્સેક્સ ટ્રેડિંગ સેશનને અંતે 692.27 પોઇન્ટ ઊછળી 75,074.51ના મથાળે બંધ થયો હતો, જ્યારે NSEનો 50 ઇન્ડેક્સ 201-05 પોઇન્ટ વધી 22,821.40ના સ્તરે બંધ થયો હતો.
BSE પર કુલ 3945 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 3010 શેરો તેજી સાથે બંધ થયા હતા, જ્યારે 833 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 102 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 131 શેરોએ 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 40 શેરોએ 52 સપ્તાહની નીચી સપાટી સર કરી હતી.