અમદાવાદઃ સ્થાનિક શેરબજારોમાં સતત ચાર દિવસની તેજી પર બ્રેક લાગી હતી. બજાર ખૂલતાની સાથે રોકાણકારોએ ઊંચા મથાળે શેરોમાં સાવચેતીનું વલણ અપનાવતાં નફારૂપી વેચવાલી કરી હતી. જેથી સેન્સેક્સ 164 પોઇન્ટ ઘટીને 41,142ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ પણ વેચવાલીના દબાણે 39 પોઇન્ટ ઘટીને 12,98ના મથાળે બંધ રહ્યો હતો.
વૈશ્લવિક બજારોમાં અમેરિકી બજારોમાં જોરદાર તેજી થઈ હતી. ખાસ કરીને ચીને અમેરિકાથી આયાતી માલસામાન પર ટેરિફ ઘટાડવાનો નિર્ણય કર્યો હતો, જેથી ડાઉ જોન્સ, નેસ્ડેક અને એસ એન્ડ પી. 500 ઇન્ડેક્સ તેજી સાથે બંધ રહ્યા હતા, પણ એશિયન માર્કેટોમાં નબળાઈ પ્રવર્તતી હતી.
જોકે સ્થાનિક બજારોની વાત કરીએ કો રોકાણકારોએ સપ્તાહના અંતિમ દિવસે સાવચેતીરૂપે પ્રોફિટ બુકિંગ કર્યું હતું. આઇટી, મેટલ, ફાર્મા, ઓટો, રિયલ્ટી, મિડિયા અને એફએમસીજી શેરોમાં રોકાણકારોએ નફારૂપી વેચવાલી કરી હતી. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ વાતાવરણ સુસ્ત હતું. વળી આવતી કાલે દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં મતદાન થવાનું છે એટલે રોકાણકારોએ સાવધાનીનું વલણ અપનાવ્યું હતું.
દિલ્હીના ચૂંટણી દંગલમાં કોનું મંગલ થાય છે, એ જોવું રહ્યું, બજારના ખેલાડીઓ પણ દિલ્હીની ચૂંટણી પર નજર રાખી રહ્યા છે. સત્તા પક્ષ ભાજપે મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગડ અને છેલ્લે મહારાષ્ટ્રમાં પણ સત્તા ગુમાવી છે. દિલ્હી સર કરવા માટે આપ પક્ષ અને ભાજપે જોરદાર કેમ્પેન કર્યા છે. દિલ્હી ચૂંટણીનું પરિણામ આવતા સપ્તાહે 11 ફેબ્રુઆરીએ જાહેર થવાનું છે.