ટ્રેડ વૉરનો ભય હળવો થતાં સેન્સેક્સ વધુ 107 પોઈન્ટ વધ્યો

અમદાવાદ– શેરબજારમાં બીજા દિવસે મજબૂતી આગળ વધી હતી. ગ્લોબલ માર્કેટના પોઝિટિવ ન્યૂઝ અને માર્ચ આખર તેમજ માર્ચ એફ એન્ડ ઓની ગુરુવારે એક્સપાયરી હોવાથી મંદીવાળા ખેલાડીઓની મોટાપાયે વેચાણ કાપણી આવી હતી, જેથી માર્કેટ બીજા દિવસે વધુ આગળ વધ્યું હતું. બેંક શેરોમાં લેવાલીનો દોર ચાલુ રહ્યો હતો. ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 107.98(0.33 ટકા) વધી 33,174.39 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 53.50(0.53 ટકા) ઉછળી 10,184.15 બંધ થયો હતો.અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વૉર મુદ્દે વાતચીત થઈ રહી છે, જેથી સોમવાર મોડીરાતે ડાઉ જોન્સ 669.40 ઉછળી 24,202 બંધ રહ્યો હતો. તેમજ નેસ્ડેક 227 પોઈન્ટ ઉછળી 7220 બંધ થયો હતો. જેની પાછળ એશિયાઈ સ્ટોક માર્કેટ ઊંચકાયા હતા. અને ભારતીય શેરબજાર પણ ઊંચા મથાળે ગેપમાં ખુલ્યું હતું. માર્ચ ફયુચર ઓપ્શન કોન્ટ્રેક્ટનો છેલ્લો દિવસ ગુરુવારે હોવાથી મોટાભાગે ઉભા સોદા સરખા થતા હતા. તેમજ માર્ચ એન્ડિંગ હોવાથી પણ લાંબાગાળાની પોઝિશનો સ્કેવરઓફ થતી હતી. બપોર પછી યુરોપના સ્ટોક માર્કેટ પોઝિટવ થતાં ભારતીય શેરોમાં લેવાલી ચાલુ રહેતાં ટ્રેન્ડ પોઝિટિવ રહ્યો હતો.