બંધન બેંકના નવા શેરનું શાનદાર લિસ્ટીંગ, 33 ટકા પ્રિમિયમ મળ્યું

અમદાવાદ- શેરબજારમાં આજે વધુ એક શેર લિસ્ટ થયો. પ્રાઈવેટ સેક્ટરની બંધન બેંકનું સ્ટોક માર્કેટમાં જોરદાર લિસ્ટીંગ થયું. બંધન બેંકનો સ્ટોક એનએસઈ પર 33 ટકા પ્રીમિયમ સાથે રૂપિયા 499 પર લિસ્ટ થયો. ત્યાં જ બીએસઈ પર સ્ટોક 29.33 ટકા પ્રીમિયમ સાથે 485 રૂપિયા પર લિસ્ટ થયો. શરૂઆતી ટ્રેડમાં બીએસઈ પર સ્ટોક 494.80ના હાઈ પર પહોંચ્યો. બંધન બેંકે માર્કેટમાંથી 4473 કરોડ રૂપિયાની મૂડી એકત્રિત કરી છે.

14.6 ગણો ભરાયો હતો આઈપીઓ

બંધન બેંકના આઈપીઓને રોકાણકારોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. બંધન બેંકનો આઈપીઓ 15 માર્ચના રોજ ખુલ્યો હતો અને 19 માર્ચ 2018ના રોજ બંધ થયો હતો. બંધન બેંકનો આઈપીઓ 14.6 ગણો સબસ્ક્રાઈબ થયો હતો. ક્યૂઆઈપી 38.67 ગણો ભરાયો હતો. ત્યાં જ એચએનઆઈને 13.89 ગણી બિડ મળી. બંધન બેંકે આઈપીઓ માટે 370-375 રૂપિયા પ્રતિ શેરનું પ્રાઈઝબેન્ડ નક્કી કર્યું હતું.

એન્કર ઈન્વેસ્ટર્સ પાસેથી એકત્ર કર્યા હતા 1,342 કરોડ રૂપિયા

બંધન બેંકે 65 એંકર ઈન્વેસ્ટર્સ પાસેથી 1,342 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. બંધન બેંકના આઈપીઓમાં 10 ટકા ભાગ વેચાયો, જેમાં 97,663,910 નવા ઈક્વિટી શેરનો પણ સમાવેશ થાય છે. તો આ સિવાય આંતરરાષ્ટ્રીય નાણા નિગમ 1,40,50,780 શેર અને આઈએફસી એફઆઈજી ઈન્વેસમેન્ટ કંપની 75,65,804 શેર સુધીનું વેચાણ ઓફર ફોર સેલ દ્વારા કર્યું. આઈપીઓ બાદ બંધન બેંકમાં પ્રમોટર હોલ્ડિંગ 89 ટકાથી ઘટીને 82 ટકા હશે.