મુંબઈઃ સિક્યોરિટીઝ માર્કેટની નિયમનકાર સંસ્થા સેબીએ સ્ટોક બ્રોકર્સને રોકાણકારોના હકપત્રની તથા તેમને મળેલી ફરિયાદોના આંકડાની જાહેરાત પોતપોતાની વેબસાઇટ પર કરવાનો આદેશ આપ્યો છે. સેબીએ પરિપત્રમાં જણાવ્યાનુસાર નવી માર્ગદર્શિકા આગામી પહેલી જાન્યુઆરીથી અમલી બનશે.
સેબીએ બજારના સહભાગીઓની સાથે ચર્ચાવિચારણા કરીને સ્ટોક બ્રોકરોના રોકાણકારોનું હકપત્ર તૈયાર કર્યું છે. તેમાં રોકાણકારોના અધિકારો દર્શાવવામાં આવ્યા છે. આ ઉપરાંત સ્ટોક બ્રોકરોએ કયું કાર્ય કેટલી સમયમર્યાદામાં કરી આપવું એની પણ નોંધ લેવામાં આવી છે. આ ઉપરાંત રોકાણકારોએ શું કરવું અને શું નહીં તેની વિગતો તથા એમની ફરિયાદોના નિવારણ માટે કરાયેલી વ્યવસ્થાના મુદ્દા સામેલ છે.
સેબીએ પરિપત્રમાં કહ્યું છે કે સ્ટોક ક્સચેન્જોએ નવા તથા વર્તમાન ક્લાયન્ટ્સને એમના માટેના હકપત્ર વિશે જાણકારી આપવાની સૂચના સ્ટોક બ્રોકરોને આપવી. અકાઉન્ટ ખોલવામાં આવે ત્યારે આપવામાં આવતી કિટની સાથે આ હકપત્રની એક નકલ પણ આપવી તથા ઈ-મેઇલ કે પત્ર, વગેરે દ્વારા તેની જાણ કરવી એમ પણ કહેવામાં આવ્યું છે.
દરેક મહિનામાં આવેલી ફરિયાદોના આંકડા બીજા મહિનાની સાતમી તારીખ સુધીમાં વેબસાઇટ પર મૂકવા એમ સેબીએ કહ્યું છે અને એ રજૂઆત માટેનું ફોર્મેટ પણ દર્શાવ્યું છે. આની પહેલાં સેબીએ રોકાણકારોના હકપત્રની જાહેરાત પોતપોતાની વેબસાઇટ પર કરવા માટે ડિપોઝિટરીઝ, રજિસ્ટ્રાર એન્ડ ટ્રાન્સફર એજન્ટ્સ તથા મર્ચન્ટ બેન્કર્સને કરી હતી.