SBIએ દાલ સરોવરમાં ‘ફ્લોટિંગ ATM’ શરૂ કર્યું

શ્રીનગરઃ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ સ્થાનિક લોકો અને પર્યટકોની સુવિધા માટે જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં દાલ સરોવરમાં એક ફ્લોટિંગ ATM શરૂ કર્યેં હતું. આ ફ્લોટિંગ ATMનું ઉદઘાટન 16 ઓગસ્ટે બેન્કના ચેરમેન દિનેશ ખરેએ કર્યું હતું. બેન્કે કહ્યું હતું કે ATMની લાંબા સમયની માગને પૂરી કરવા સિવાય શ્રીનગરના આકર્ષણમાં ચાર ચાંદ લગાવી દેશે, એમ એસબીઆઇએ ટ્વીટ કરીને જણાવ્યું હતું.

SBIએ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે બેન્કનું એ ફ્લોટિંગ ATM શ્રીનગરના દાલ સરોવરમાં આવતા પર્યટકોની સાથે સ્થાનિક લોકોની રોકડની જરૂરિયાત પૂરી કરશે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ કહ્યું હતું કે શ્રીનગરમાં નવા શરૂ કરેલા ફ્લોટિંગ ATMથી સ્થાનિક ગ્રાહકોનો તો પ્રોત્સાહક પ્રતિસાદ મળ્યો હતો. એ ઉપરાંત બેન્કને ટ્વિટર પર નેટિજન્સથી પણ પ્રોત્સાહક પ્રતિસાદ મળ્યો હતો.

સ્ટેટ બેન્કના ચેરમેન જ્યારે ATMનું ઉદઘાટન કરવા શ્રીનગર પહોંચ્યા તો તેમણે શ્રીનગરની બેન્કની શાખાની મુલાકાત પણ લીધી હતી. બેન્કની આ શાખા ત્યારથી કાર્યરત છે, જ્યારથી સ્ટેટ બેન્ક ઇમ્પિરિયલ બેન્ક ઓફ ઇન્ડિયા તરીકે જાણીતી હતી. આ પ્રસંગે તેમણે સ્ટેટ બેન્કની તંગમંર્ગની શાખાનું પણ ઉદઘાટન કર્યું હતું, જે ગુલમર્ગ ફરવા આવતા પ્રવાસીઓને બેન્કિંગની સુવિધાઓ આપશે.

શ્રીનગરનું દાલ સરોવરમાં તરતા હાઉસબોટ અને શિકારાના સફર સૌનું મન મોહી લે છે. હવે સ્ટેટ બેન્કનું તરતું ATM એક નવું આકર્ષણનું કેન્દ્ર છે.