અમિતાભના નામે રજિસ્ટર્ડ રોલ્સ-રોયસ કાર બેંગલુરુમાં જપ્ત-કરાઈ

બેંગલુરુઃ આ શહેરના ટ્રાફિક વિભાગે સાત લક્ઝરિયસ કાર જપ્ત કરી છે, એમાંની એક છે, બોલીવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના નામ પર રજિસ્ટર થયેલી ‘રોલ્સ-રોયસ ફેન્ટમ’. આ રોલ્સ-રોયસ ફેન્ટમ (MH 02 BB 2) કાર ચલાવનાર વ્યક્તિનું નામ છે સલમાન ખાન. એ 35 વર્ષનો છે અને બેંગલુરુનો રહેવાસી છે. એના પિતાએ અમિતાભ બચ્ચન પાસેથી આ કાર ખરીદી હોવાનું કહેવાય છે. કહેવાય છે કે, આ કાર 2007માં ‘એકલવ્ય’ ફિલ્મની સફળતા બાદ નિર્માતા-દિગ્દર્શક વિધુ વિનોદ ચોપરાએ અમિતાભને ગિફ્ટમાં આપી હતી. બાદમાં બચ્ચને તે કાર 2019માં ઉમરા ડેવલપર્સ કંપનીના યુસુફ શરીફ ઉર્ફે ડી. બાબુને વેચી દીધી હતી. પરંતુ કારની માલિકી બદલવામાં આવી નથી અને આ ફેન્સી કારના માલિક તરીકે હજી પણ બચ્ચનનું જ નામ છે. જોકે તમામ વાહનોની ઓનલાઈન માધ્યમ પર વિગતો રાખતા વાહન-4 પોર્ટલ ઉપર પણ આ રોલ્સ-રોયસ કારની વિગત નથી.

બાબુએ કહ્યું છે કે આ કાર તેમણે અમિતાભ બચ્ચન પાસેથી ખરીદી હતી. ‘મારા પરિવારજનો દર રવિવારે આ કાર ચલાવે છે. ટ્રાફિક વિભાગે એને જપ્ત કરી છે. તેઓ કહે છે કે હું વાહનના દસ્તાવેજો સુપરત કરીશ તે પછી જ કાર પાછી આપશે. કારના રજિસ્ટ્રેશનમાં હજી બચ્ચનનું જ નામ છે. દેશમાં ટ્રાફિક નિયમો અનુસાર, કોઈ પણ વાહનને માઈગ્રેશન (સ્થળાંતર)ની તારીખથી 11 મહિના પછી બીજા રાજ્યના રજિસ્ટ્રેશન નંબર પર ચલાવવાની પરવાનગી હોતી નથી. પરંતુ મેં આ કાર 2019ની 27 ફેબ્રુઆરીએ બચ્ચન પાસેથી ખરીદી હતી. મેં એમને તે માટે રૂ. 6 કરોડ આપ્યા હતા.’ બાબુ પાસે આ કારને લગતા આવશ્યક દસ્તાવેજો નથી. પરંતુ આ કાર પોતે બાબુને વેચી રહ્યા છે એવું દર્શાવતો બચ્ચનની સહીવાળો પત્ર એમણે ટ્રાફિક વિભાગને સુપરત કર્યો છે. સત્તાવાળાઓ હવે વધુ તપાસ કરી રહ્યા છે. તેઓ બાબુને કાયદેસર દસ્તાવેજો સુપરત કરવા થોડોક સમય આપશે, તે પછી પણ જો એ દસ્તાવેજો આપી નહીં શકે તો સત્તાવાળા નક્કી કરીશે કે આગળ કયું પગલું ભરવું.