નવી દિલ્હીઃ ભારતીય સ્ટેટ બેન્ક બેઝિક સેવિંગ્સ બેન્ક ડિપોઝિટ (BSBD) એકાઉન્ટ્સના ખાતાધારકોને એક મહિનામાં માત્ર ચાર મફત રોકડ ઉપાડ (કેશ વિથડ્રોલ)ની સુવિધા આપશે. એનાથી વધુ ઉપાડ પર ચાર્જ બેન્ક લેશે. બેન્ક આ ગ્રાહકોને એક વર્ષમાં 10 પાનાંની ચેકબુક આપશે એ પછી ચેક બુક લેવા પર ચાર્જ લેશે. નવા નિયમ એક જુલાઈથી લાગુ થશે.
BSBD ખાતા માટે સર્વિસ ચાર્જમાં કરાયેલા સુધારા અનુસાર SBI એક જુલાઈ, 2021થી એડિશનલ વેલ્યુ એડેડ સર્વિસિસ માટે રૂ. 15થી રૂ. 75 ચાર્જ વસૂલશે. જોકે BSBD ખાતાધારકો માટે બિન નાણાકીય લેવડદેવડ અને ટ્રાન્સફર ટ્રાન્ઝેક્શન્સ બ્રાન્ચો, ATM, CDM (કેશ ડિસ્પેન્સિંગ મશીન) મફત હશે. બેન્કે ક્હ્યું છે કે એ બેન્ક શાખાઓ, SBI ATM અથવા અન્ય બેન્કના ATMથી ચાર મફત રોકડ ઉપાડથી વધુની લેવડદેવડ માટે પ્રતિ રોકડ ઉપાડ પર રૂ. 15 ચાર્જ વસૂલશે અને એના પર GST વધારાનો લાગશે.
બેન્કે કહ્યું હતું કે ચાર મફત રોકડ ઉપાડ લેવડદેવડ (ATM અને શાખા સહિત) વધારાની લેવડદેવડ પર ચાર્જ વસૂલ કરવામાં આવશે. એની પછી ચેકબુકનાં 10 પાનાં પર રૂ. 40 અને રૂ. 25 પાનાંની ચેકબુક પર રૂ. 75 ચાર્જ વસૂલ કરવામાં આવશે. બેન્કે કહ્યું હતું કે સિનિયર સિટિઝન ગ્રાહકોને ચેકબુક સેવાઓ પર છૂટ આપવામાં આવી છે. એનો અર્થ એ થયો કે તેઓ વધુ ચેકબુક વિના ચાર્જે લઈ શકે છે.