નવી દિલ્હીઃ દેશની જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ તેના ગ્રાહકો માટે ખુશખબરીની જાહેરાત કરી હતી. બેન્કે બધી પ્રકારના સેવિંગ્સ અકાઉન્ટમાં એવરેજ મંથલી બેલેન્સની અનિવાર્યતાને દૂર કરી છે. બેન્ક દ્વારા જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે બેન્કના ગ્રાહકો મુક્તપણે બેન્કિંગ સેવાઓનો લાભ લઈ શકે અને નાણાકીય સમાવેશીકરણને પ્રોત્સાહન આપવા માટે બેન્કે આ પગલું ભર્યું છે. સ્ટેટ બેન્કના આ નિર્ણયને લીધે 44.51 કરોડ ખાતાધારકોને લાભ થશે. હાલના સમયે શહેરી, અર્ધશહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ક્રમશઃ રૂ. 3000, 2000 અને 1000નું લઘુતમ બેલેન્સ રાખવું જરૂરી હતું. બેન્ક લઘુતમ બેલેન્સ નહીં જાળવનારને દંડ વસૂલતી હતી.
ગ્રાહકોમાં વિશ્વાસ વધશે
આ જાહેરાતથી અમારા મૂલ્યવાન ગ્રાહકોના ચહેરા પર સ્મિત આવશે. AMBને માફ કરવાનું પગલું બેન્કનું એક મહત્ત્વપૂર્ણ પગલું છે. જેથી ગ્રાહકો વધુ સુવિધાજનક બેન્કિંગનો અનુભવ કરી શકશે, એમ બેન્કના ચેરમેન રજનીશકુમારે જણાવ્યું હતું.
SMS ચાર્જ પણ માફ
બેન્કે કહ્યું હતું કે કસ્ટમર ફર્સ્ટને ધ્યાનમાં રાખતાં SMS ચાર્જ પણ મફત કરવામાં આવ્યો છે. બેન્કના આ પગલાથી ગ્રાહકોને લાભ થશે. 31 ડિસેમ્બર, 2019ના ડેટા મુજબ બેન્કની ડિપોઝિટ રૂ. 31 લાખ કરોડથી વધુ છે. બેન્કે આ પહેલાં MCLRમાં પણ કાપ મૂક્યો હતો. બેન્ક ફિક્સ્ડ ડિપોઝિટો પરનો વ્યાજદર પણ ઘટાડ્યો છે.